પાટણઃ સરસ્વતી તાલુકાના ભીલવણ ગામે વધુ ત્રણ COVID-19ના પોઝિટિવ કેસ નોંધાયા છે. અગાઉ 24 એપ્રિલના રોજ પોઝિટિવ આવેલી ભીલવણની 65 વર્ષીય મહિલાના સંપર્કમાં આવેલા બે પુરૂષ અને એક મહિલાનો COVID-19 ટેસ્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે ધારપુર જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સઘન કામગીરીના કારણે 4 મેના રોજ કાતરા સમાલ ગામે આવેલા COVID-19 પોઝિટિવ કેસ બાદ છેલ્લા પાંચ દિવસથી એક પણ નવો કેસ નોંધાયો ન હતો. ત્યારે 10 મેના રોજ સરસ્વતી તાલુકાના ભીલવણ ગામે અનુક્રમે 35 અને 19 વર્ષીય પુરૂષ તથા 17 વર્ષીય કિશોરીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
અમદાવાદ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવેલી ભીલવણની 65 વર્ષીય કોરોના પોઝિટિવ મહિલા અથવા તેના 25 વર્ષીય પુત્રના સંપર્કમાં આવેલા લોકો પૈકી વધુ ત્રણ વ્યક્તિઓના ટેસ્ટ પોઝિટિવ આવતાં જિલ્લામાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 26 પર પહોંચી છે.
આરોગ્ય વિભાગ દ્વારા COVID-19 પોઝિટિવ આવેલા વ્યક્તિઓના સંપર્કમાં આવેલા લોકોને ફેસિલીટી ક્વોરન્ટાઈન કરી તેમના આરોગ્યની તપાસણી સાથે તેમના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવે છે. જિલ્લામાં COVID19 પોઝિટિવ આવનાર 26 દર્દીઓના સંપર્કમાં કુલ 165 લોકો આવ્યા હતા, જેમના ટેસ્ટ સેમ્પલ લઈ તપાસણી અર્થે મોકલવામાં આવ્યા છે. COVID-19 પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકો પૈકી 117 લોકોના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે, જ્યારે બાકીના લોકોના સેમ્પલીંગની કામગીરી ચાલુ છે.