- પાટણમાં ભક્તિમય માહોલમાં સંવત્સરીની કરાઇ ઉજવણી
- વિવિધ અપાશ્રયોમાં મુનિ ભગવંતોના યોજાયા વ્યાખ્યાન
- અપાશ્રયોમાં પ્રતિક્રમણ સાથે જૈનોએ એકબીજાને મિચ્છામિ દૂક્કડમ પાઠવ્યા
પાટણ: પર્વાધિરાજ પર્યુષણના અંતિમ દિવસે એટલે સંવત્સરીની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં જૈન મુનિ ભગવંતોના વ્યાખ્યાનો યોજાયા હતા, ત્યારબાદ જૈન સમાજના લોકોએ એકબીજાને મિચ્છામિ દુક્કડમ પાઠવ્યા હતા.
![જૈનોએ ક્ષમાયાચના સાથે કર્યા મિચ્છામિ દુક્કડમ્](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-02-inpatanjainsperformedmichhamidukadamwithapology-video-vo-gj10046_10092021174748_1009f_1631276268_904.jpg)
સંવત્સરીની શ્રદ્ધા ભક્તિથી ઉજવણી કરાઇ
જૈન ભૂમિ ગણાતા પાટણમાં શુક્રવારે સંવત્સરીની શ્રદ્ધા ભક્તિથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરના ત્રિ-સ્તુતિક ઉપાશ્રયમાં મુનિરાજ ચારિત્ર રત્ન વિજયજી મહારાજની નિશ્રામાં તેમજ વિવિધ જૈન ઉપાશ્રયોમાં મુનિ ભગવંતોની નિશ્રામાં વ્યાખ્યાન માળાઓ યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં જૈન શ્રાવક-શ્રાવિકાઓએ વ્યાખ્યાનોનું શ્રવણ કર્યું હતું.
પર્યુષણ પર્વનું સમાપન મિચ્છામિ દુક્કડમની આપલે સાથે થયું
શહેરના પંચાસર દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામીની સુંદર આંગિક કરવામાં આવી હતી. શહેરના વિવિધ ઉપાશ્રયોમાં મુની ભગવંતોની નિશ્રામાં પ્રતિક્રમણ કરવામાં આવ્યા હતા. જેમાં 84 જીવ યોનિના સમસ્ત જીવથી ક્ષમાપના માંગવામાં આવી હતી અને ત્યારબાદ જૈન જૈનેતરોએ એકબીજાને મિચ્છામિ દુક્કડમની શુભકામનાઓ પાઠવી હતી. આમ પાટણ ખાતે વિવિધ દેરાસરો અને ઉપાશ્રયોમાં પર્યુષણ પર્વનું સમાપન મિચ્છામિ દુક્કડમની આપલે સાથે થયું હતું.