● ધારપુર હોસ્પિટલમાં તબીબી શિક્ષકોએ પડતર માંગણીઓને લઈ કર્યા દેખાવો
● ત્રણ દિવસથી અલગ અલગ કાર્યક્રમો આપી તબીબો કરી રહ્યા છે દેખાવો
● એક વર્ષ થવા છતાં તબીબોને સાતમા પગાર પંચનું મળ્યું નથી એરિયર્સ
પાટણ : જિલ્લાની GMERS ફેકલ્ટી એસોસિયેશન સાથે સંકળાયેલ ધારપુર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના તબીબી શિક્ષકો દ્વારા તેમની પડતર માંગણીઓને લઇને શનિવારે પ્રતિક ઉપવાસ પર ઉતરી વિરોધ દર્શાવ્યો હતો.
11 માગ સાથે તબીબો કરી લડત શરૂ
ધારપુર હોસ્પિટલમાં કુલ 74 તબીબી શિક્ષકો છે અને છેલ્લા ત્રણ વર્ષથી આ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી નથી. GMERSના તબીબ શિક્ષકોની માંગણીઓ મુજબ 7 મું પગાર પંચ લાગુ પડ્યું હોવા છતાં હજુ છઠ્ઠા પગાર પંચ મુજબ જ નોન પેટીસિંગ એલાઉન્સ અને હાઉસ રેન્ટ અલાઉન્સ આપવામાં આવી રહ્યું છે. તેમના આશ્રિત કુટુંબીજનોને બીમારીના ખર્ચાઓના મેડિકલ રિમ્બર્સમેન્ટનો, એલટીસીનો, ગ્રેજ્યુએટીનો લાભ આપવા આવે તેવી 11 જેટલી માગણીઓને લઈને તબીબી શિક્ષકોએ લડત શરૂ કરી છે જે અંતર્ગત શુક્રવારે કાળી પટ્ટી ધારણ કરી ધરણા યોજવામાં આવ્યા હતા. ત્યારબાદ આંદોલનના બીજા દિવસે તબીબી ફેકલ્ટી દ્વારા રામધુન કરવામાં આવી હતી અને શનિવારના રોજ તબીબોએ પ્રતિક ઉપવાસ પર બેસી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
ધારપુર GMERS ફેકલ્ટી એસોસિએશન સાથે સંકળાયેલ તબીબી શિક્ષકોએ પોતાની પડતર માંગણીઓને લઇને લડત શરૂ કરી છે અને સરકાર દ્વારા તેઓની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હડતાલ ઉપર ઉતારવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.