- જિલ્લામાં વધતાં કોરોના સંક્રમણને લઇ વેપારીઓનો નિર્ણય
- શહેરના તમામ નાના-મોટા ધંધા-રોજગાર સજ્જડ બંધ રહ્યા
- સ્વયંભૂ બંધને લઇને પાટણ શહેરના માર્ગો બન્યા સૂમસામ
પાટણ: ગુજરાત સરકાર દ્વારા કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે વિવિધ પ્રયાસો થકી અને રાત્રિ કરફ્યૂના કડક અમલવારી થઈ રહી છે. જેના અનુસંધાને પાટણ શહેરમાં સાંજના 5 કલાક પછી વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે પોતાના ધંધા-રોજગાર બંધ કરવામાં આવે છે અને પરિસ્થિતિને ધ્યાને લઇને રાત્રિ કરફ્યૂનો પણ પાટણમાં ચુસ્તપણે અમલ થઈ રહ્યો છે. ત્યારે રવિવારના દિવસે સ્વયંભૂ લોકડાઉનને પાટણ વાસીઓએ સાથ સહકાર આપતા સમગ્ર શહેર સૂમસામ બન્યું હતું.
શહેરના મુખ્ય માર્ગો પર છવાયો સન્નાટો
શહેરના કંસાડા દરવાજાથી ત્રણ દરવાજા, હિંગળાચાચર ચોક, બગવાડા દરવાજા, જુના બસ સ્ટેશન વિસ્તાર, રેલ્વે સ્ટેશન, હાઇવે પરના માર્ગો સહિતના હાર્દ સમા માર્ગો પર તમામ ધંધા-રોજગાર અને દુકાનો બંધ રહેતા સમગ્ર શહેરમાં જાણે ફરી એકવાર 2020નું લોકડાઉન અમલ થયું હોય તેમ સન્નાટો જોવા મળ્યો હતો. આમ પાટણવાસીઓએ રવિવારે સ્વયંભૂ રીતે લોકડાઉનને સફળ બનાવ્યું હતું.