- પાટણમાં વધતા કોરોના કેસોની લઈ રસીકરણ માટે લોકોમાં આવી જાગૃતિ
- પાટણમાં કોવિશિલ્ડ રસીનો જથ્થો ફરી ઉપલબ્ધ થયો
- રસીનો બીજો ડોઝ લેવા રસીકરણ કેન્દ્રો પર લાગી લાઈનો
પાટણ: જિલ્લામાં બેકાબૂ બનેલા કોરોના વાઇરસનું સંક્રમણ સતત વધતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ત્યારે, આ સંક્રમણ સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરમા 7 સ્થળો પર રસીકરણ કેમ્પ કાર્યરત કરવામાં આવ્યા છે. પાટણ શહેરમાં કોવીશિલ્ડ રસીનો જથ્થો છેલ્લા કેટલાક દિવસોથી ઉપલબ્ધ ન હોવાને કારણે રસીનો બીજો ડોઝ લેવા માટે લોકો વિવિધ રસીકરણ કેન્દ્રો પર જઈ પરત આવતા જોવા મળ્યા હતા. ત્યારે, સોમવારે પાટણમાં રેડ ક્રોસ સોસાયટી ખાતેના રસીકરણ કેન્દ્ર પર કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ લેવા લોકોએ લાઈનો લગાવી રસીનો બીજો ડોઝ લીધો હતો.
આ પણ વાંચો: પાટણ જિલ્લામાં કોરોનાના 155 પોઝિટિવ કેસ નોંધાયા
લોકોએ કલાકો લાઈનમાં ઊભા રહીને લીધો રસીનો બીજો ડોઝ
પાટણમાં નાગરિકોએ રસીકરણ માટે જાગૃતતા દાખવી પોતપોતાના વિસ્તારમાં નજીકના રસીકરણ કેન્દ્રો પર જઈ રસીનો બીજો ડોઝ લીધો હતો. આ સાથે જ અન્ય લોકોને પણ કોરોનાની રસી લેવા અપીલ કરી હતી. પાટણ શહેરમાં છેલ્લા 25 દિવસથી સરેરાશ 50થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. જેથી, શહેરમાં કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ લેવા માટે લોકોએ કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને પણ રસી લીધી હતી.
આ પણ વાંચો: પાટણના ધારાસભ્યએ રેમડેસીવીર ઇન્જેક્શનના જથ્થા માટે 10 લાખ ફાળવ્યા