- અલગ અલગ ફ્લેવરનાં દેવડાની મીઠાઈ ગ્રાહકો માટે તૈયાર કરાઇ
- ચાલુ વર્ષે દેવડાનાં ભાવમાં કિલોએ ૨૦ રૂપિયાનો વધારો
- દેવડાએ તમામ લોકોને પોસાય તેવી મીઠાઈ છે
પાટણ : હાલમાં દિવાળીનાં તહેવારોનો પ્રારંભ થયો છે. જેને કારણે પાટણવાસીઓ તો ખરાજ પણ સાથે સાથે બહાર ગામથી પણ લોકો દેવડાની મીઠાઈ ખરીદવા પાટણ આવી પહોંચે છે. શુદ્ધ ઘી નાં દેવડા 380 રૂપિયે કિલોનાં ભાવે જ્યારે વેજીટેબલ ઘી નાં દેવડા ૧૮૦ રૂપિયે કિલોનાં ભાવે વેચાય છે. ચાલુ વર્ષે દેવડાનાં ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે. દેવડા બનાવનાર દિલીપ સુખડિયાએ જણાવ્યું હતું કે, દેવડા એ પાટણની આગવી ઓળખ છે જેની વર્ષો પહેલા સુખડિયા પરિવાર દ્વારા શોધ કરવામાં આવી હતી. દેવડા એક એવી મીઠાઈ છે જે લાંબો સમય સાચવી રાખવા છતાં પણ બગડતી નથી અને આરોગ્યની દ્રષ્ટિએ પણ તે કોઈ નુકસાન કરતી નથી.
અલગ અલગ ફ્લેવરનાં દેવડાની મીઠાઈ ગ્રાહકો માટે તૈયાર કરાઇ
પાટણમાં છ પેઢીથી સુખડિયા પરિવારે દેવડા બનાવવાની પરંપરા જાળવી રાખી છે. હાલનાં ટેકનોલોજીનાં યુગમાં પણ વારસાગત આ વ્યવસાયને આજની યુવાપેઢીએ પણ જાળવી રાખ્યો છે. પરિવારનાં શિક્ષિત અને ડિગ્રી ધરાવનાર યુવાનો પણ દેવડા અને અન્ય મીઠાઈ બનાવવામાં પારંગત છે. બદલાતાં સમયની સાથે અલગ અલગ ફ્લેવરનાં દેવડાની મીઠાઈ ગ્રાહકો માટે તૈયાર કરાય છે જેમાં બટર સ્કોચ, ચોકલેટ ફ્લેવર, કેસરિયા દેવડા સહિતની ફ્લેવરમાં દેવડા તૈયાર કરી વેચાણ અર્થે મૂક્યા છે.
પાટણનાં દેવડાની વિશેષતા
દેવડા એ પટણીઓનું એક નજરાણું છે અને દેવડા એ દરેક વર્ગને પોષાય તેવી મિઠાઇ છે. જેને સામાન્ય વર્ગનાં લોકો પણ સરળતાથી ખરીદી શકે છે. બહારગામથી આવતાં વ્યક્તિઓ ચોક્કસ દેવડાની ખરીદી કરે છે. દેવડા ખાવાનાં શોખીન તહેવારોનાં દિવસોમાં દેવડા ખાવાનું ચૂકતા નથી. પાટણનાં દેવડાની વિશેષતા એ છે કે લાંબા સમયગાળા સુધી આ મીઠાઈ બગડતી નથી સાથે જ નાનાં બાળકોથી લઇ વયોવૃદ્ધ પણ આ મીઠાઈ આરોગી શકે છે એટલી નરમ હોય છે.
આ પણ વાંચો : માતા લક્ષ્મી પણ સમુદ્ર મંથનમાંથી ઉદભવ્યા હતા: ધનતેરસ પર કાંસાના વાસણો ખરીદવાનું પૌરાણિક કારણ
આ પણ વાંચો : Diwali 2021 : આજથી દીપાવલીના પર્વનો શુભારંભ, અગિયાસર અને વાઘ બારસનો જાણો મહિમા...