પાટણ : પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં યાત્રાળુઓને પ્રસાદીરૂપે અપાતા મોહનથાળમાં વપરાતું ઘી ભેળસેળવાળું હોવાનો પર્દાફાશ થયો છે. ત્યારબાદ પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે આ અખાદ્ય ઘી વાપરનાર એજન્સી સામે ગુનો નોધી પાસાની કાર્યવાહી કરવા માંગ કરી છે. તેઓએ આ અંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે.
અંબાજી પ્રસાદ વિવાદ : શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળા દરમિયાન દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તોના પ્રસાદ માટે મોહનથાળ બનાવવા એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે પણ મોહનથાળ બનાવવા માટેનું કામ એજન્સીને આપવામાં આવ્યું હતું. પરંતુ એજન્સી દ્વારા મોહનથાળ બનાવવા માટે લાવવામાં આવેલા ઘીનો જથ્થો ગુણવત્તાયુક્ત છે કે નહીં તે અંગેની ચકાસણી કરવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે સેમ્પલનો રિપોર્ટ 28 ઓગસ્ટના રોજ આવ્યો હતો. આ રિપોર્ટમાં ઘી ગુણવત્તા વિહીન હોવાનું સામે આવતા ખળભળાટ મચ્યો છે.
મુખ્યપ્રધાનને રજૂઆત : અંબાજી મંદિરમાં ભેળસેળ યુક્ત ઘીનો ઉપયોગ કરીને મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ બાબતે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે રાજ્યના મુખ્યપ્રધાનને પત્ર લખી રજૂઆત કરી હતી. તેઓએ જણાવ્યું છે કે, અંબાજી માતાના દર્શન માટે આવતા શ્રદ્ધાળુ અને ભક્તોને પ્રસાદરૂપે અપાતા મોહનથાળમાં ભેળસેળયુક્ત ઘીનો ઉપયોગ કર્યાના સમાચાર જાણવા મળતા લાખો ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે. ત્યારે લાખો લોકોની આસ્થા, શ્રદ્ધા અને આરોગ્ય સાથે ચેડા કરનાર એજન્સી સામે તાત્કાલિક ધોરણે ગુનો નોંધી એજન્સીનો કરાર રદ કરવામાં આવે. ઉપરાંત જવાબદાર તમામ લોકો સામે પાસાની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.
અગાઉ પણ આવું બન્યું હશે ? અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ વર્ષથી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મોહિની કેટરર્સ નામની એજન્સીને મોહનથાળ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. ત્યારે અગાઉના વર્ષોમાં પણ એજન્સી દ્વારા આ પ્રકારે જ ભેળસેળયુક્ત ઘીનો ઉપયોગ કરી પ્રસાદ આપવામાં આવ્યો છે કે નહીં તેવો ગણગણાટ પણ શ્રદ્ધાળુ અને ભક્તોમાં થઈ રહ્યો છે.