- એક બેઠક બિનહરીફ બની
- વર્તમાન ડિરેક્ટરોની પેનલમાં બે ઉમેદવારોની ફેરબદલી કરાઈ
- બેન્કની જૂની પેનલ સામે 7 નવા ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝમ્પલાવ્યું
- 48 ફોર્મનું વિતરણ થયું હતુ
- ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસ સુધીમાં 8 ફોર્મ પરત ખેંચાયા
પાટણઃ આગામી 11મી જુલાઈને રવિવારના રોજ શહેરની એમ.એન.હાઇસ્કુલ ખાતે આયોજિત પાટણ નાગરિક સહકારી બેન્કની પાંચ વર્ષના ટર્મ માટેની ચૂંટણીમાં પ્રગતિશીલ પેનલના 14 ઉમેદવારો અને પરિવર્તન પેનલના 6 ઉમેદવારો તેમજ 1 અપક્ષ ઉમેદવાર મળી કુલ 21 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જે ઉમેદવારોને ચૂંટણી ચિન્હ ફાળવવામાં આવ્યા હતા. જેમાં પ્રગતિશીલ પેનલને ત્રાજવું ચૂંટણી ચિન્હ અને પરિવર્તન પેનલને ઉગતો સુરજ તેમજ અપક્ષ ઉમેદવારને દિપકનું ચિન્હ ફાળવવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને સવારે 10:00 કલાકની સ્થિતિ
મેહુલકુમાર રાયચંદભાઈ પટેલ સહિત પરિવર્તન પેનલના 6 ઉમેદવારો અને અપક્ષ ઉમેદવાર તરીકે વિકાસ પ્રવિણભાઇ પટેલ વચ્ચે જામશે જંગ
પાટણ નાગરિક સહકારી બેન્કની ચૂંટણી માટે 14 સભ્યોની બનેલી પ્રગતિશીલ પેનલમાંથી મહેશ દલવાડી અને પુનમબેન મોદીને પડતાં મુકી તેમની જગ્યાએ હિનાબેન દિલીપભાઈ પટેલ અને હરેશ શંકરલાલ મોદીને લેવામાં આવ્યા હોવાનું પ્રગતિશીલ પેનલના સુરેશભાઈ પટેલે જણાવ્યું હતું. જયારે સામે મેહુલકુમાર રાયચંદભાઈ પટેલ સહિત પરિવર્તન પેનલના 6 ઉમેદવારો અને અપક્ષ ઉમેદવાર તરીકે વિકાસ પ્રવિણભાઇ પટેલ વચ્ચે ચૂંટણીનો જંગ જામશે.
સાંજે 4 વાગ્યા પછી મત ગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે
બેન્કના ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, 11જુલાઈ રવિવારના રોજ શહેરની એમ.એન.હાઈસ્કૂલ ખાતે સવારે 8થી બપોરના 2કલાક સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને સાંજે 4 વાગ્યા પછી મત ગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. બેન્કના 22 હજાર જેટલા મતદારો હોવાથી, દરેક મતદાતાએ 14 મત આપવા ફરજિયાત હોવાથી કોરોનાની ગાઇડલાઇનના ચુસ્ત પાલન વચ્ચે પાટણ નાગરિક સહકારી બેન્કની ચૂંટણી યોજવામાં આવશે.
આ પણ વાંચોઃ પાટણમાં વોર્ડ નંબર 1નાં કોંગી ઉમેદવારોએ રીક્ષામાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો
પાટણના સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો
આમ, પાટણ નાગરિક સહકારી બેન્કની ચૂંટણીને લઈને પાટણના સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે અને બન્ને પેનલના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર- પ્રસાર પણ શરૂ કર્યો છે. જેને લઇ હાલમાં પાટણમાં રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે.