પાટણઃ દેશમાં કોરોના વાઇરસની મહામારીને લઈ કેન્દ્ર સરકારે છેલ્લા 33 દિવસથી લોકડાઉન અમલી બનાવ્યુ છે. આ લોકડાઉન દરમિયાન કરીયાણા, મેડિકલ તેમજ શાકભાજીની ખરીદી માટે બપોર સુધી દુકાનો ખુલ્લી રાખવાની છુટ આપવામાં આવી હતી. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા કન્ટેન્ટમેન્ટ અને હોટ સ્પોટ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં દુકાનદારો પોતાના ધંધા રોજગાર ચાલુ રાખી શકે તેવુ જાહેર નામુ બહાર પાડ્યુ હતું.
જેનો રાજ્ય સરકારે અમલ કરતા શહેરમાં આજે સ્ટેશનરી, મોબાઈલ રિચાર્જ, ટાયર પંચર, ઇલેક્ટ્રિક, પીપરમિન્ટ, કટલરી, વાસણ તેમજ જવેલર્સની દુકાનો ખુલી હતી. જેથી શહેરીજનોએ જરૂરિયાત મુજબની ચીજ વસ્તુઓ લેવા માટે દુકાનો પર સોસીયલ ડિસ્ટન્સિંગનુ પાલન કરી ખરીદી કરી હતી. વહીવટી તંત્ર દ્વારા પણ શહેરની બજારોમાં શરતોને આધીન ખૂલેલી દુકાનોમા દુકાનદારો શરતોનો ભંગ ન કરે તે માટે સતત પેટ્રોલિંગ કરી ગ્રાહકોને ફરજીયાત માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સિંગ રાખી ખરીદી કરવા સૂચનાઓ આપી હતી.