- પાટણ નગરપાલિકા હસ્તકના માર્કેટમાં બની દુર્ઘટના
- ભયજનક મકાનો ને નોટિસો આપનાર પાલિકા પોતાની મિલ્કતો પ્રત્યે ઉદાસીન
- પાલિકાના સત્તાધિશોની દૂર રસ્તાને કારણે સર્જાયેલી દુર્ઘટના
પાટણ: શહેરમાં જ જર્જરીત અને ભયજનક મકાનો અને દુકાનો ઉતારી લેવા માટે નોટિસો આપનાર નગરપાલિકા પોતાના જ માર્કેટનું સમારકામ કે ભયજનક ભાગ ઉતારવામાં નિષ્ફળ રહેતાં મંગળવારે એક દુર્ઘટના ઘટી હતી. શહેરના બગવાડા ચોક વિસ્તારમાં જૂના પશુભવન પાસેનું મ્યુનિસિપલ માર્કેટ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત થઇ જવાના કારણે પડવાના વાંકે ઊભું છે.
માર્કેટનો પ્રથમ માળ ધારાશાયી થતા દોડધામ મચી ગઇ હતી
આ માર્કેટના સ્લેબના કાટમાળ ખોવાઇ જવાથી તેની ખીલાસરીઓ પણ બહાર આવી ગઈ છે, ત્યારે આ માર્કેટના સમારકામ માટે વેપારીઓ દ્વારા નગરપાલિકાને અવાર-નવાર લેખિતમાં અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા તેના સમારકામ માટે કોઈ જાતની પરવાનગી આપવામાં આવી ન હતી. ત્યારે મંગળવારે અચાનક માર્કેટના પ્રથમ માળનો જર્જરિત થઈ ગયેલો ભાગ એકાએક ધરાશાયી થઇ જતા વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.
કાટમાળ નીચે ઊભેલા બાઈક પર પડતા બાઇકને નુકસાન થયુ હતુ
મલબનો કાટમાળ નીચે ઊભેલા બાઈક પર પડતા બાઇકને નુકસાન થયુ હતુ. જો કે, રાહદારી કે વેપારીઓની અવરજવર ન હોવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી. બનાવ બાદ નગરપાલિકાના નિદ્રાધીન સત્તાધીશો સફાળા જાગ્યા હતા અને માર્કેટનો જર્જરિત ભાગ ઉતારવાની કામગીરી હાથ ધરી હતી.
માર્કેટ જર્જરિત બન્યું હોવાને લઈને રીપેરીંગ માટે વેપારીઓ દ્વારા અનેક રજૂઆતો કરાઇ
મ્યુનિસિપલ માર્કેટમાં દુકાન ધરાવતા વેપારી કિર્તી અમીન અને એડવોકેટ એ.વી. શર્માએ જણાવ્યું હતું કે, માર્કેટ જર્જરિત બન્યું હોવાને લઈને રીપેરીંગ માટે વેપારીઓ દ્વારા નગરપાલિકાના સત્તાધીશોને લેખિત તથા મૌખિકમાં અનેક વખત રજૂઆતો કરી હતી. તાજેતરમાં જ માર્કેટના તમામ વેપારીઓએ બેઠક બોલાવી નગરપાલિકા પાસે રીપેરીંગની મંજૂરી માંગી હતી, છતાં વર્તમાન શાસકોએ કોઈ પ્રત્યુત્તર આપ્યો ન હતો. મંગળવારે અચાનક આગળનો જ ભાગ ધરાશાયી થતાં દોડી આવ્યા હતા અને આડેધડ તોડફોડ કરી જર્જરિત ભાગ ઉતારવાની કામગીરી હાથ ધરી હતી. જેના કારણે વેપારીઓને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે.
નગરપાલિકા વહેલા જાગી હોત તો આ દુર્ઘટના બની ન હોત: વેપારી
આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળીના તહેવારો આવી રહ્યા છે. તેવા સમયે રિપેરિંગની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી માગણી વેપારીઓમાં ઉઠી છે. નગરપાલિકા વહેલા જાગી હોત તો આ દુર્ઘટના બની ન હોત તેવું પણ વેપારીઓએ જણાવ્યું હતું. નગરપાલિકાના ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા પાલિકા હસ્તકના કોમપ્લેક્ષોની તમામ દુકાનોની તપાસ કરી જરૂરી એવા જર્જરિત ભાગનું સમારકામ કરવામાં આવશે.