મોરબી : વર્ષ 2021માં મોરબીમાં મમુ દાઢીની હત્યાનો ગુનો નોંધાયા બાદ GUJCTOC વધારાની કલમ ઉમેરીને તપાસ હાથ ધરવામાં આવતા અગાઉ 15 ઇસમોને ઝડપી લીધા હતા. જે ગુનામાં મુખ્ય આરોપી આરીફ મીર સહિતના ત્રણ ફરાર ઈસમો કોર્ટમાં સરેન્ડર થયા હતા. આરોપીઓના 15 દિવસના રિમાન્ડ મંજૂર થતા મોરબી પોલીસે વધુ તપાસ ચલાવી છે.
મમુ દાઢી હત્યા કેસ : ગત 7 સપ્ટેમ્બર, 2021 ના રોજ શનાળા બાયપાસ નજીક મમુ દાઢીની હત્યા કરવામાં આવી હતી. જે બનાવ મામલે 8 સપ્ટેમ્બર, 2021 રોજ ગુનો નોંધાયો હતો. બાદમાં 30 સપ્ટેમ્બર, 2021 ના રોજ આરીફ મીર અને તેની ગેન્ગના 18 ઈસમો વિરુદ્ધ ગુજસીટોકની કલમનો ઉમેરો કરાયો હતો. જેમાં અગાઉ પોલીસે 15 ઇસમોને ઝડપી લીધા હતા.
ફરાર ત્રણ ઈસમોએ કર્યું સરેન્ડર : આ હત્યાના ગુનામાં મુખ્ય આરોપી આરીફ મીર સહિતના ત્રણ ફરાર હતા. ગત 25 નવેમ્બર, સોમવારના રોજ આરોપી આરીફ ગુલમામદ ધોળા/મીર, મકસુદ ગફુર સમા અને કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઈ મતવાએ ગુજસીટોક કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. જેથી મોરબી પોલીસે આરોપીઓની કબજો મેળવ્યો અને કોર્ટે આરોપીઓના 15 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
સવા ત્રણ વર્ષ ફરાર આરોપીઓ : આ મામલે DySP પી. એ. ઝાલાએ જણાવ્યું છે કે, ગુજસીટોકની કલમનો ઉમેરો કરી અગાઉ 15 ઇસમોને ઝડપી લીધા હતા. ત્રણ આરોપી ફરાર હતા, જેમણે કોર્ટમાં સરેન્ડર કરતા તેમનો કબજો મેળવી મોરબી લાવવામાં આવ્યા છે. આરોપીઓના 15 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. આ હત્યાના બનાવ બાદથી એટલે કે સવા ત્રણ વર્ષથી આરોપીઓ ક્યાં રોકાયા હતા, કોને મદદગારી કરી હતી તે દિશામાં તપાસ ચલાવવામાં આવશે.
1.80 કરોડની મિલકત જપ્ત : મોરબી પોલીસે ગુનેગારો વિરુદ્ધ ગુજસીટોક કલમનો ઉમેરો કર્યા બાદ મિલકત જપ્તી સહિતની કામગીરી પણ કરી હતી. અગાઉ મોરબીના આરોપી ઇમરાન ઉર્ફે બોટલ હનીફ ચાનિયા, રીયાઝ રજાક ડોસાણી, ઈરફાન અલ્લારખા ચોચોદરા અને આરીફ ગુલમહમદ મીર તથા તેની પત્ની અને ભાઈના નામે વસાવેલ કુલ 1.80 કરોડની 30 સ્થાવર અને જંગમ મિલકત જપ્ત કરવા તેમજ અલગ અલગ 24 બેંક એકાઉન્ટમાં રહેલા આશરે 12.50 લાખની રોકડ જપ્ત કરવા હુકમ પોલીસે કર્યો હતો.