- સિદ્ધપુરમાં હનીટ્રેપનો બીજો કિસ્સો આવ્યો પ્રકાશમાં
- બલીસણાના વેપારીને મહિલા સહિત 7 લોકોએ ફસાવ્યો
- વેપારી પાસે રહેલા 8 હજાર પડાવી લીધા
- પોલીસે છટકું ગોઠવી ટોળકીને ઝડપી
પાટણ: જિલ્લાના સિદ્ધપુરમાં એક પછી એક હનીટ્રેપના કિસ્સા બહાર આવી રહ્યા છે. તાજેતરમાં જ એક શિક્ષકને હનીટ્રેપમાં ફસાવનારા ચાર આરોપીઓને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી લીધા છે, ત્યારે હનીટ્રેપનો બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સિદ્ધપુર શહેરના બિંદુસરોવર પાસે હનીટ્રેપ કરનારી ગેંગ દ્વારા બાલીસણા ગામે બંસી અમુલ પાર્લર ચલાવતા વેપારી મનીષકુમાર ભોગીલાલ પટેલને મોબાઈલ ફોન પર અવાર-નવાર મીઠી-મીઠી વાતચીત કરી વિશ્વાસમાં લીધા હતા. ગઈ 17 માર્ચ 2021ના રોજ સિદ્ધપુરના બિંદુસરોવર પાસે મળવા બોલાવ્યા હતા. આ યુવતી ત્યાંથી વેપારીની ગાડીમાં બેસી રાજસ્થાન તરફ જતા અમીરગઢ પાસે આ ટોળકી દ્વારા કાવતરું રચ્યા પ્રમાણે એક ગાડીમાં ટોળકી આવી પહોંચી હતી. મનીષભાઈને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી. તેમના ખિસ્સામાં રહેલા રોકડા રૂપિયા 8 હજાર પડાવી લીધા હતા અને બીજા રૂપિયા 3.50 લાખની માંગણી કરી ડીસા ખાતે આંગડિયામાં મંગાવીને લઈ મારી નાખવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો: વેજલપુરમાં હનીટ્રેપનો કિસ્સો, યુવતીએ પતિ સાથે મળી 8 વર્ષ જુના મિત્રને ફસાવી પડાવ્યા રૂપિયા
7 આરોપીઓને ધારેવાડા ચેકપોસ્ટ નજીકથી ઝડપી લીધા
અગાઉ 4 દિવસ પહેલા કલ્યાણના આચાર્યને હનીટ્રેપમાં ફસાવનારી ટોળકી ઝડપાઈ જે અંગે જાણ થતાં આ વેપારી મનીષભાઈએ પણ સિદ્ધપુર પોલીસનો સંપર્ક કરતા સમગ્ર મામલો સિદ્ધપુર પોલીસ મથકે પહોંચતા PI ચિરાગ ગોસાઈ તેમજ તેમની ટીમ દ્વારા તપાસ હાથ ધરી 7 આરોપીઓને સિદ્ધપુર બનાસકાંઠાની હદ વચ્ચે આવેલી ધારેવાડા ચેકપોસ્ટ નજીકથી ઝડપી લીધા હતા.
બે ઈકો ગાડી પોલિસે કબ્જે કરી
સિદ્ધપુર PI ચિરાગ ગોસાઇ સહીતની પોલીસ ટીમ આ શખ્સો પાસેથી બે ઇકો ગાડી કબ્જે કરી છે અને બાકીનો મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે. આ ગુનામાં સંડોવાયેલા આ ગેંગના અન્ય 3 શખ્સોને પકડવા તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: મહેસાણાનો ટ્રાન્સપોર્ટર હનીટ્રેપમાં ફસાયો, સમયસૂચકતાથી મળ્યો છુટકારો
- હનીટ્રેપમાં પકડાયેલા આરોપીઓ
1. ઠાકોર પરેશજી કાંતિજી (રહે. ચારૂપ, પાટણ)
2. ઠાકોર ભિખાજી ઉર્ફે ટીનાજી પુંજાજી (રહે. હાંસાપુર, પાટણ)
3. ઠાકોર ઉત્તમજી દેવજી (રહે. વામૈયા, પાટણ)
4. ઠાકોર રોહિતજી કાંતિજી (ધારપુર, પાટણ)
5. અફસાના ઉર્ફે અફસુડી (નીલમ સિનેમા, પાટણ)
6. રાજપૂત ગણપતસિંહ કપૂરસિંહ (રહે.ડીસા, બનાસકાં જિલ્લા કરણી સેના પ્રમુખ)
7. ઠાકોર કીર્તિસિંહ પોપટજી (રહે.ડીસા, બનાસકાંઠા)