- હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ સામે જાતિવાદનો આક્ષેપ
- પરીક્ષા નિયામકની નિમણૂકમાં મનસ્વી વલણ
- ભારતીય વિદ્યાર્થી મોરચાએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
પાટણ : જિલ્લામાં આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી શિક્ષણના બદલે કૌભાંડ અને વિવાદનો પર્યાય બની હોય તેમ એક બાદ એક ગેરરીતિના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. MBBSના પ્રથમ વર્ષના 3 વિદ્યાર્થીઓને રિ-એસએસમેન્ટમાં પાસ કરવાનો તેમજ કેમેસ્ટ્રી વિભાગમાં વગવાળા વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ કોરી રાખી પાછળથી લખાવીને પાસ કરાવવાનું કૌભાંડ સામે આવ્યું છે.
આ વીડિયો - HNGUમાં વધુ એક કૌભાંડઃ કેમેસ્ટ્રી વિભાગના પૂર્વ વિદ્યાર્થીએ વીડિયો વાયરલ કર્યો
કુલપતિ વિરોધ સૂત્રો પોકારી દેખાવો કર્યા
આ કથિત કૌભાંડને કારણે શિક્ષણ આલમમાં ખળભળાટ મચ્યો છે. આ મુદ્દાને લઇને વિવિધ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજે મંગળવારના ભારતીય વિદ્યાર્થી મોરચાના કાર્યકરોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી કુલપતિ વિરોધ સૂત્રો પોકારી દેખાવો કર્યા હતા. આ કથિત ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અધિકારી, કર્મચારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે જિલ્લા કલેકટરને ઉદ્દેશીને આવેદનપત્ર આપ્યું હતું.
આ વીડિયો - હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MBBSમાં પાસ કરવાનું કૌભાંડ સામે આવ્યું
મિતુલ દેલિયાની પરીક્ષા નિયામક તરીકે નિમણૂક કરવાની માગ
HNG યુનિવર્સીટીના કુલપતિ દ્વારા જાતિવાદી માનસિકતા રાખી પરીક્ષા નિયામકની નિમણૂક મિતુલ દેલિયાને આપ્યા બાદ રાતોરાત તેમને હટાવી દેવામાં આવ્યા હોવાના મામલે પણ ભારતીય વિદ્યાર્થી મોરચા દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરીને મિતુલ દેલિયાની પરીક્ષા નિયામક તરીકે નિમણૂક કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.
આ વીડિયો - હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં રિ-એસેસમેન્ટમાં થયેલ કથિત ગેરરીતિ માટે રિપોર્ટ યુનિવર્સિટીમાં સબમીટ કરાયા
જાણો શું છે સમગ્ર મામલો ?
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં મેડિકલના નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ
પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન મેડિકલ કોલેજના વર્ષ 2018 ના પ્રથમ વર્ષમાં MBBSના દસેક વિદ્યાર્થીઓ નાપાસ થતા તેમને રિ-એસએસમેન્ટ માટે અરજી કરી હતી. જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓને પાસ કરવાનું વ્યવસ્થિત કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેમ 3 વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ બદલી દેવામાં આવી હતી અને તેમને નાપાસમાંથી પાસ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો થતા ગેરરીતિની બૂમ ઉઠવા પામી છે.
કમિટિએ બુધવારે રિપોર્ટ કર્યો જમા
મુદ્દાની ગંભીરતાને ધ્યાનમાં લઇને યુનિવર્સિટી દ્વારા તપાસ કરવા માટે 2 સભ્યોની સમિતિ રચવામાં આવી હતી. તપાસ સમિતિ દ્વારા પ્રાથમિક તપાસ રિપોર્ટ બુધવારે બેઠકમાં રજૂ કરાતા આ સમગ્ર બાબતે ગેરરીતિ થયાનું જણાતા ચકચાર મચી જવા પામી છે. આ વિષય પર વધુ ચર્ચા અને નિર્ણય કરવા માટે કારોબારી સમિતિની બેઠક ગુરુવારે બોલાવાઈ હતી. જેના પર સૌની નજર હતી, પરંતુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.જે.જે.વોરાએ કારોબારી સમિતિની બેઠક કોઈક કારણોસર રદ્દ કરતા આ મામલે અનેક ચર્ચાઓ થઈ રહી છે.
બેઠક સ્થગિત રખાઈ હોવાનું ગુરુવારે જાણવા મળ્યું
યુનિવર્સિટી ના રજિસ્ટ્રાર ડી. એમ. પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે, કારોબારીની બેઠક બંધ રાખવાની સુચના કુલપતિએ સવારે આપતા તમામ સભ્યોને જાણ કરવામાં આવી છે. ક્યા ત્રણ વિદ્યાર્થીઓના નામ છે? તેની ખબર નથી. માત્ર સીટ નંબર છે અને તપાસ કમિટીએ રેકોર્ડ સીલ કરીને મૂક્યો છે. આગામી કારોબારીની બેઠક યુનિવર્સિટીના કુલપતિ દ્વારા બોલાવવામાં આવશે.
બેઠક રદ્દ થઇ હોવાનો મેસેજ મળતાં કમિટિના સભ્યો વિમાસણમાં મૂકાયા
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ગુણ ચકાસણીમાં થયેલા ભ્રષ્ટાચાર મામલે વિદ્યાર્થી સંગઠનો દ્વારા પણ યુનિવર્સિટી ખાતે ભારે દેખાવો કરવામાં આવ્યા હતા અને આ બાબતે યુનિવર્સિટી રજિસ્ટ્રાર સમક્ષ ગેરરીતિને લઈને ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ સાથે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. બીજી તરફ તપાસ કમિટીના સભ્યોએ મહત્વપૂર્ણ બેઠકને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી ખાતે હાજર થયા હતા. જોકે, કુલપતિ દ્વારા બેઠક સ્થગિત કરવાનો મેસેજ મળતા તેઓ પણ વિમાસણમાં મૂકાયા હતા. તપાસ સમિતિના સભ્ય હરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, તપાસ સમિતિએ રિપોર્ટ તૈયાર કરીને બંધ કવરમાં યુનિવર્સિટીને આપી દીધો છે. જેનો નિર્ણય યુનિવર્સિટીએ કરવાનો છે.
શિક્ષણપ્રધાને કૌભાંડ મામલે IAS અધિકારીને સોંપી તપાસ
ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આ મામલાનાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ પ્રકારે અગાઉ કેટલા વિદ્યાર્થીઓ પૈસા અને લાગવગના જોરે ડોક્ટર બની ગયા હશે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે? તે પણ ચિંતાનો વિષય છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે, આ મામલે જવાબદારો સામે યુનિવર્સિટી દ્વારા કેવા પગલાં ભરવામાં આવશે તો બીજી તરફ આ બાબતની ગંભીરતાને ધ્યાને લઇ રાજ્યના શિક્ષણ પ્રધાન અને યુનિવર્સિટીના સપ્લીમેન્ટરી કૌભાંડ મામલે IAS અધિકારી નાગરાજનને તપાસ સોંપી છે.