પાટણ: જિલ્લામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ખેડૂતો ખરીફ વાવેતરમાં ખાસ કરીને બીટી કપાસ, અડદ, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર કરી શક્યા છે. હારીજ તાલુકામાં 500 હેક્ટરમાં અને ચાણસ્મા તાલુકામાં 4 હેક્ટરમાં અડદનું વાવેતર થયું છે. જ્યારે જિલ્લાના નવ તાલુકાઓમાં બીટી કપાસનું 15,131 હેક્ટરમાં વાવેતર થયું છે તો 2522 હેક્ટર માં ઘાસચારાનું વાવેતર થવા પામ્યું છે.
જિલ્લામાં 25 ટકા વરસાદ: બાકીના બાજરી, મગ, મઠ, ગવાર, તુવેર, તલ સહિતના પાકની વાવણી વિલંબમાં પડી છે. મોટાભાગનું વાવેતર બાકી છે કારણકે ગયા વર્ષે વરસાદ ખેંચાતા 21 જુને માત્ર ચાર ટકા વરસાદ થયો હતો. ચાલુ વર્ષે બીપરજોય વાવાઝોડાને કારણે પાટણ જિલ્લાના તમામ તાલુકાઓમાં વાવણીલાયક સાર્વત્રિક વરસાદ થયો છે. હાલમાં સરેરાશ 25% વરસાદ થયો છે. જેમાં પાટણ, સિધ્ધપુર, સરસ્વતી, ચાણસ્મા, હારીજ, સમી, રાધનપુર અને સાંતલપુર પંથકમાં વાવણી લાયક વરસાદ થયો છે.
574 હેકટરમાં વાવેતર ઓછું થયું: છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયુ વાતાવરણ રહેતા અને ખેતરોમાં ભરાઈ રહેલા પાણીને કારણે હાલમાં ખેડૂતો વાવણી કરી શકે તેમ નથી. ખેતરોમાંથી પાણી ઉતર્યા બાદ વાવેતર ધીરેધીરે શરૂ થશે. ગત વર્ષે 25 જૂન સુધીમાં 18748 હેક્ટર વિસ્તારમાં વાવેતર થઈ હતું જ્યારે હાલમાં માત્ર 18174 હેક્ટરમાં વાવેતર થયું છે એટલે કે ગયા વર્ષની સરખામણીએ 574 હેક્ટર વિસ્તારમાં વાવેતર ઓછું થયું છે.
ખેતરોમાં પાણી ભરાઈ રહેતા વાવેતર ન થયું: પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે જેથી કેટલાક તાલુકાઓમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. રાધનપુર, સાંતલપુર, સમી અને શંખેશ્વર તાલુકાઓમાં વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે ખેડૂતો વાવણી કરી શક્યા નથી. હવે ખેતરોમાંથી પાણી ઉતરે તેની ખેડૂતો રાહ જોઈને બેઠા છે.