પાટણ: શહેરના હાઇવે માર્ગો ઉપર બેફામ બની દોડતા ટર્બો ચાલકો અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જે છે. પોલીસ નાના વાહન ચાલકો સામે કાયદાનો કોરડો વિંઝે છે પરંતુ માટેલા સાંઢની જેમ દોડતા આવા ટર્બો ચાલકો સામે કડક કાર્યવાહી ન કરતા આજે વધુ એક યુવતીને અકાળે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
ટર્બોએ યુવતીને કચડી: નવજીવન ચાર રસ્તા પર આવેલ એક હોટલમાં ચા નાસ્તો કરી મામા ફોઈની બન્ને પિતરાઈ બહેનો બેચરાજી પાસે આવેલ સુરપુરા ગામે સામાજિક પ્રસંગમાં જવા નવા એસ.ટી સ્ટેન્ડ તરફ રોડ ક્રોસ કરીને જઈ રહ્યા હતા. તે દરમિયાન ચાણસ્મા તરફથી પૂર ઝડપે આવી રહેલ ટર્બોએ બંને બહેનોને ટક્કર મારી હવામાં ફંગોળતા બંને યુવતીઓ રોડ ઉપર પટકાઈ હતી. જેમાં એક યુવતીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે બીજી યુવતીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાઈ હતી. કસ્માતનું આ કરુણ દ્રશ્ય જોઈ હાઇવે પરના ધંધાદારીઓ અને અન્ય રાહદારીઓ દોડી આવ્યા હતા તો અકસ્માત સર્જી ટર્બોચાલક નાસી છૂટ્યો હતો.
ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશનું પંચનામુ કરી પીએમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પોલીસે ટર્બોને કબજે કરી સીસીટીવી ફૂટેજને આધારે ટર્બો ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ટર્બો ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. - PSI, બી ડિવિઝન
ટર્બોચાલકો દ્વારા વારંવાર અકસ્માત: અત્રે ઉલ્લેખીએ છે કે પાટણ શહેરના પ્રવેશ દ્વાર અને વાહન વ્યવહાર તેમજ રાહદારીઓથી ધમધમતા નવજીવન ચાર રસ્તા ઉપર ટર્બોચાલકો દ્વારા અગાઉ પણ અનેકવાર અકસ્માતો સજાર્યા છે. જેમાં અનેક બાઈક ચાલકો, આશાસ્પદ યુવાનો- યુવતીઓ અકાળે મોતને ભેટ્યા છે. અહીં પોલીસ પોઇન્ટ હોવા છતાં ટર્બોચાલકો દ્વારા વારંવાર અકસ્માતો થતાં શહેરીજનોમાં રોષ ફેલાયો છે. પાટણ જિલ્લાના હાઇવે માર્ગો ઉપર ઓવરલોડ દોડતા ટર્બોચાલકોને નાથવા આરટીઓ અને પોલીસ તંત્ર કડક વલણ અપનાવે તેવી માંગ ઉઠી છે.