પાટણઃ કોરોના વાઈઈરસની મહામારી વચ્ચે પાટણ નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખી મળેલી આ સભામાં સત્તાધારી અને વિપક્ષના સભ્યોએ ચીફ ઓફીસરની કામગીરી સામે સવાલો ઉઠાવ્યાં હતાં. તેમજ ગત સામાન્ય સભામાં થયેલા ઠરાવો પર ચીફ ઓફિસરે હજુ સુધી નહીં કરતા ઠરાવની કોપીઓ સભ્યોને મળી ન હોવાનું કારણ જણાવી આ સામાન્ય સભા મુલતવી રાખવાનો પ્રસ્તાવ રજૂ કરતા સર્વાનુમતે સભા મુલતવી રાખવામાં આવી હતી.
સભા પૂર્વે ચીફ ઓફિસર દ્વારા તમામ સભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓનુ ટેમ્પરેચરગનથી ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું. સાથે સાથે માસ્ક અને સેનેટાઈઝરની બોટલો આપવામા આવી હતી. પાટણ નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં શૂન્યકાળની ચર્ચામાં વિપક્ષના અને શાસક પક્ષના સભ્યોએ શહેરના વિવિધ વિસ્તારોની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા, નિયમિત મહોલ્લા, પોળોની સફાઈ, ભૂગર્ભ ગટર ઉભરાવવાના પ્રશ્નો તાકીદે ઉકેલવા રજૂઆત કરી હતી.
ચીફ ઓફિસર દ્વારા તાજેતરમાં લોકડાઉન વચ્ચે ગુટખાનો કાળા બજારમાં વેચાતો માલ પકડી જપ્ત કરવામાં આવ્યો હતો, પરંતુ આ માલમાંથી 50 ટકા માલ ચોરાઈ ગયો હોવાનું નગર સેવકે આક્ષેપ કરી ચીફ ઓફિસર પર નિશાન સાધી પકડેલા માલનું કેમ પંચનામું કરવામાં આવ્યું નથી તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો. નગરપાલિકાના કર્મચારીઓ નાના ધંધાર્થીઓ અને વેપારીઓ પર પોલીસનો રોફ જમાવી હેરાન કરે છે તેવા સવાલો પણ ઉઠાવવામાં આવ્યાં હતાં.
કોરોના મહામારીમાં શહેરીજનોના હિતમાં નગરપાલિકાએ પોતાની ગાઈડ લાઈન બનાવવી જોઈએ અને નાના ધંધાર્થીઓ તથા વેપારીઓને પડતી તકલીફોનું નિરાકરણ લાવવા નગર પાલિકાના ઉપપ્રમુખે રજૂઆત કરી હતી. જો કે, મુલતવી રાખવામાં આવેલી આજની સામાન્ય સભામાં શહેરીજનોના હિતમાં પાણીવેરો તથા ડ્રેનેજ વેરા ઉપર રીબેટ તથા આકરણી અંગેની મુદતમાં વધારો કરવા સર્ક્યુલર ઠરાવ કરવામાં આવ્યો હતો.