પાટણ : ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે તા.04એપ્રિલના રોજ દાખલ કરવામાં આવેલા સિદ્ધપુરની તમન્ના સોસાયટીના 52 વર્ષીય પુરૂષ તથા તા.05એપ્રિલના રોજ દાખલ કરવામાં આવેલા નેદરા ગામના અનુક્રમે 51 વર્ષિય, 43 વર્ષિય અને 22 વર્ષિય પુરૂષનો કોરોના પૉઝિટિવ રિપોર્ટ આવતાં આ તમામ દર્દીઓને ધારપુર હોસ્પિટલમાં આઈશોલેસન વોર્ડમાં રાખી સારવાર શરૂ કરવામાં આવી હતી.

સારવાર બાદ સરકારની ગાઈડલાઈન મુજબ 7 દિવસ બાદ ૨૪ કલાકના અંતરે લેવામાં આવેલા આ ચાર વ્યક્તિઓના COVID-19ના ટેસ્ટ સેમ્પલ નેગેટીવ આવતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. જેને કારણે દર્દીઓમાં પણ અનેરો આનંદ જોવા મળ્યો હતો. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનાર દર્દીઓએ હોસ્પિટલના ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી સેવાની સરાહના કરી હતી અને મેડિકલ સ્ટાફનો આભાર વ્યકત કર્યો હતો.
COVID-19ને હંફાવી સાજા થયેલા ચારેય વ્યક્તિઓને હાલમાં સાત દિવસ સુધી સિદ્ધપુર તાલુકાના દેથળી ખાતે આવેલી સ્ટેટ ઈન્સ્ટિટ્યુટ ઑફ હૉટલ મેનેજમેન્ટ ખાતે તૈયાર કરવામાં આવેલા ગવર્મેન્ટ કોરોન્ટાઈન ફેસિલીટીમાં રાખવામાં આવશે. ત્યાર બાદ તેમને પોતાના ઘરે જવાની રજા આપવામાં આવશે.