- પાટણ નગરપાલિકામાં દીવા તળે અંધારું
- દસ દિવસથી નગરપાલિકા કેમ્પસમાં ગટરનું ગંદુ પાણી ફેલાઈ રહ્યું છે
- દુર્ગંધ મારતા પાણીથી કર્મચારીઓના આરોગ્ય ઉપર ખતરો
પાટણ: શહેરમાં ભૂગર્ભ ગટરો ચેકઅપ બની ઊભરાવવાની સમસ્યા સામાન્ય બની છે. કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ચાલતી આ કામગીરીમાં મહોલ્લા, પોળો અને જાહેર માર્ગો ઉપર ઉભરાતી ગટરોની રજૂઆતોનું નિરાકરણ જલ્દી આવતું નથી. ત્યારે હવે નગરપાલિકા કેમ્પસમાં પણ ગટરો ઊભરાવવા માંડી છે. કર્મચારીઓની રજૂઆતો છતાં છેલ્લા દસ દિવસથી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવતાં હેરાન પરેશાન બન્યા છે.
આ પણ વાંચો: પોરબંદર છાયા નગરપાલિકાનું 272 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર
રોગચાળાનો ભય સતાવી રહ્યો
પાટણ નગરપાલિકાના વાહન શાખાના શૌચાલયની ગટર લાઈન ચોકઅપ બની છે. જેના કારણે છેલ્લા દસ દિવસથી દુર્ગંધ મારતું પાણી ચારે બાજુ રેલાય છે. એક બાજુ કોરોના મહામારી અને ધોમધખતા તડકા વચ્ચે દુર્ગંધ મારતા પાણીથી કર્મચારીઓની હાલત કફોડી બની છે અને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.
આ પણ વાંચો: ભાવનગરમાં સુએજ વ્યવસ્થા અપૂરતી, નવા પ્લાન્ટ બાદ સંપૂર્ણ વ્યવસ્થા થશે
કોન્ટ્રાક્ટર સામે અગાઉ પણ સામાન્ય સભામાં સવાલો ઉઠ્યા હતા
ભૂગર્ભ ગટર શાખાની લાલિયાવાડી અને સમયસર કામગીરી મામલે કોન્ટ્રાક્ટર સામે અગાઉ પણ સામાન્ય સભામાં સવાલો ઉઠ્યા હતા. હવે નગરપાલિકા કેમ્પસમાં જ છેલ્લા દસ દિવસથી આ સ્થિતિ સર્જાઈ છે. ત્યારે પગલાં ભરાશે ખરા...? તેમ કર્મચારીઓ કહી રહ્યા છે.