પાટણ : કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં ૨૧ દિવસનું લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આવા કપરા સમયમાં દરેક લોકોને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તે માટે સરકારે અનેક રાહત પેકેજો જાહેર કર્યા છે.
ઉજવલા યોજના હેઠળ ગેસ કનેકશન ધરાવતા ગ્રાહકોને સરકારે ત્રણ મહિના સુધી ત્રણ ગેસ સિલેન્ડર મફત આપવાની જાહેરાત કરી છે. જેમાં ગ્રાહકોએ પોતાના મોબાઇલ નંબર ગેસ એજન્સીમાં જનરેટ કરાવ્યા બાદ સરકાર તેમના ખાતામાં ગેસ સિલિન્ડરના રૂપિયા જમા કરાવશે. જે અનુલક્ષીને શહેરની વિવિધ ગેસ એજન્સીઓ ખાતે મોબાઈલ નંબર જનરેટ કરાવવા ગ્રાહકોની લાંબી કતારો સર્જાઇ હતી.
પાટણની વિવિધ ગેસ એજન્સીઓ દ્વારા સોસિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે એજન્સી બહાર ગોળ રાઉન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં એજન્સી ખાતે આવનાર ગ્રાહકોએ એકબીજા વચ્ચે અંતર રાખી આ રાઉન્ડમાં ઉભા રહી સોસિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું હતું.