પાટણ: ઉત્તર ગુજરાતની સુજલામ સુફલામ સહિતની અન્ય કેનાલમાં સિંચાઈ માટેનું પાણી છોડવા માટે પાટણના જાગૃત ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યના મુખ્ય પ્રધાન અને સિંચાઈ પ્રધાનને ખેડૂતોના હિતમાં પત્ર લખી રજૂઆત કરી છે.
સારા વરસાદથી ખેડૂતોને બંધાઈ હતી આશા: ચોમાસાની શરૂઆતમાં જ પાટણ જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જેને લીધે ખેડૂત આલમમાં ખુશીની લહેર જોવા મળી હતી. ખેડૂતોએ પોતપોતાના ખેતરોમાં મોંઘા બિયારણ લાવી વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું. ત્યારબાદ છેલ્લા દોઢ મહિનાથી પાછોતરો વરસાદ ખેંચાતા પાણી વગર ખેતરમાં ઉભા પાકો સુકાવા લાગ્યા છે. જેને લઈને ખેડૂત આલમ ચિંતિત બન્યો છે. હજારો રૂપિયાના ખર્ચે વાવેતર કરેલ બિયારણ એળે જશે. તેવા ભયમાં ચિંતિત બન્યો છે.
કેનાલો ખાલી ખમ: સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા સિંચાઈ માટે સુજલામ સુફલામ સહિતની કેનલો બનાવી છે. જોકે આ કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું ન હોવાને કારણે હાલ ખેડૂતોના પાક પાણી વગર મૂર્ઝાઈ રહ્યા છે. ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતના ખેડૂતોના હિતમાં આજે પાટણ કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યના મુખ્ય પ્રધાનને પત્ર લખી ઉત્તર ગુજરાતની સુજલામ સુફલામ સહિતની કેનલોમાં સિંચાઈ માટે પાણી છોડવા માંગ કરી છે.
ધારાસભ્યએ CMને લખ્યો પત્ર: મુખ્યપ્રધાનને પત્ર લખી રજૂઆત કરતા ધારાસભ્ય કીટ પટેલે જણાવ્યું છે કે ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ થયો છે. હાલ વરસાદની ભારે ખેચ છે , જેના લીધે હાલ ખેડૂતોને ચોમાસું વાવેતર જેવા કે એરંડા , કપાસ , વરીયારી , કઠોળ , માગફરી જેવા પાકોને સત્વરે પાણીની જરૂર છે. ઉત્તર ગુજરાત અને ખાસ કરીને પાટણ જીલ્લામાં સુજલામ સુફલામ કેનાલ સિવાય સિચાઈની કોઈ સુવિધા નથી. વળી ઉત્તર ગુજરાતમાં પાણીના તળ પણ ઊંડા ગયેલ છે . જેથી પુરતો પાણી પુરવઠો પણ મળતો નથી. જો સત્વરે ઉત્તર ગુજરાતની સુજલામ સુજલામ કેનાલ સહિત અન્ય સિચાઈની કેનોલામાં પાણી છોડવામાં નહી આવેતો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થાય તેમ છે.