પાટણઃ જિલ્લામાં સમી તાલુકાના નાના જોરાવરપુરા ગામમાં માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું. જેથી ખેતીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
જિલ્લામાં ખરીફ પાકના વાવેતર માટે હજુ પૂરતો વરસાદ થયો નથી, જેથી કેનાલનું પાણી જ ખેડૂતોના પાકને બચાવી શકે તેવી સ્થિતિ જિલ્લાના અંતરિયાળ ગામોમાં સર્જાઈ છે. ખેડૂતોની માગને લઈ નર્મદા વિભાગ દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે, પરંતું કેટલીક જગ્યાએ કેનાલનું પાણી ઓવરફ્લો થતા ખેતીના પાકને નુકસાન થઇ રહ્યું છે.
જોરાવરપુરા ગામમાથી પસાર થતી માઈનોર કેનાલ ઓવર ફ્લો થવાથી કેનાલનું પાણી આસપાસના ખેતરમાં ફરી વળ્યુ છે, જેથી ખેડૂતોના એરંડા સહિતના પાકો ધોવાયા છે. ખેડૂતો દ્વારા વારંવાર ઓવરફ્લો થતી કેનાલો બાબતે અનેકવાર રજૂઆતો કરવા છતાં નર્મદા વિભાગ દ્વારા કેનાલનુ યોગ્ય સમારકામ ન કરવાને કારણે ખેડુતોને પાકનુ નુકશાન વેઠવું પડી રહ્યુ છે.
સિંચાઇ વિભાગ દ્વારા કેનાલમાં સફાઈ કે સમારકામ કર્યા વિના જ પાણી છોડવામાં આવતા ક્યાંક કેનાલોમાં ગાબડાં પડે છે તો ક્યાંક સફાઇના અભાવે કેનાલનું પાણી ઓવરફ્લો થાય છે, જેને કારણે ખેડૂતોને વારંવાર નુકસાની વેઠવી પડે છે.