પાટણ: યુનિવર્સિટી દ્વારા એનપીઈ- 2020 અંતર્ગત ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના તમામ ફેકલ્ટીના બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેનો અને ડીનની સંયુક્ત બેઠક કુલપતિ ડો.રોહિત દેસાઈની અધ્યક્ષતામાં યુનિવર્સિટીના એમબીએ વિભાગના હોલમાં આજે મળી હતી. આ બેઠકમાં ઉપસ્થિત ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વિસ્તારના તમામ વિષયોના બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેનો અને ડીન ઉપસ્થિત રહ્યા હતા.
ક્રેડિટ માળખામાં સુધારા સ્વીકાર્યા: બેઠકમાં ક્રેડિટ ફ્રેમવર્ક અને અભ્યાસક્રમમાં જે સુધારા વધારા કરવાની આવશ્યકતા છે. તે બાબતે સૌએ પોતાના મંતવ્ય અને સૂચનો રજૂ કર્યા હતા. સરકારના સૂચન મુજબ કોમન ક્રેડિટ સ્ટ્રક્ચર જળવાઈ રહે તે માટે તમામ યુનિવર્સિટીનું એક સમાન સ્ટ્રક્ચર માળખું અને ક્રેડિટ ફ્રેમવર્ક ધ્યાને લઈ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ સરકારની સૂચના મુજબ ક્રેડિટ ફ્રેમવર્ક સ્વીકારીને તેનો અમલ કરવા નિર્ણય કરાયો હતો. સરકારના જીઆરને અનુરૂપ થવા ગહન ચર્ચાઓ કરાઈ હતી.
144 ની ક્રેડિટ અપનાવી: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત સરકાર દ્વારા 132 ની ક્રેડિટ અપાઈ હતી. યુનિવર્સિટીએ 144 ની ક્રેડિટ અપનાવી હતી પરંતુ સરકારના જીઆરને અનુરૂપને અનુકૂળ થવા માટે આજે તમામ ફેકલ્ટીના ચેરમેન અને ડીનની ઉપસ્થિતિમાં વ્યાપક ચર્ચા વિચારણા બાદ ગુજરાત સરકારના કોમન ફ્રેમવર્કને સ્વીકારીને સિલેબસમાં જે કંઈ સુધારા વધારા કરવાના થાય તે એક અઠવાડિયા કરી દઈને યુનિવર્સિટીમાં જમા કરાવી દેવા નક્કી કરાયું હતું.
નવા સુધારા ઝડપી કરવા તાકીદ કરાઈ: આગામી 27 જુલાઈએ એકેડેમિકની બેઠક બોલાવીને તેમાં તેને મંજૂર કરાવીને તેનું અમલીકરણ કરવા હકારાત્મક અભિગમ અપનાવાયો હતો. આ બાબતે વિવિધ અભ્યાસક્રમોમાં સુધારા વધારા બાબતે જે તે વિષયોના બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેનોને સત્તા આપીને નવા સુધારા કરી ઝડપથી જમા કરાવી દેવા જણાવાયું હતું.
ક્રેડિટ ફ્રેમવર્ક બનાવાયું: ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત યુનિવર્સિટી દ્વારા ક્રેડિટ માળખું અને સિલેબસમાં સુધારા વધારા કરવા બાબતે યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્ટડીઝના તમામ ચેરમેનો અને ડીન સાથે વેકેશન દરમ્યાન ચાર બેઠકો કર્યા બાદ કોર્સ સ્ટ્રક્ચર અને ક્રેડિટ ફ્રેમવર્ક બનાવાયું હતું. કોમન ક્રેડિટ સ્ટ્રક્ચર જળવાઈ રહે તે માટે તમામ યુનિવર્સિટીનું એક સમાન ક્રેડિટ ફ્રેમવર્ક રહે તે બાબતના ગુજરાત સરકારના જીઆરને સ્વીકારીને તેનું અમલીકરણ કરવા આ મહત્વની બેઠકમાં નિર્ણય કરાયો હતો.
વિધાર્થીઓને મોટો ફાયદો થશે: યુનિવર્સીટીના કુલપતિ આર.એન.દેસાઈએ જણાવ્યું હતું કે અત્યાર સુધી દરેક યુનિવર્સિટીઓમાં અલગ અલગ ક્રેડિટ હોવાને કારણે વિદ્યાર્થીઓને એક્ઝિટ અને એન્ટ્રીમાં ભારે મુશ્કેલીઓ ઉભી થતી હતી. જ્યારે હવે સરકારના સમાન ક્રેડિટ ફ્રેમવર્કનો દરેક યુનિવર્સિટીઓમાં અમલ થશે જેનાથી વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે. એક વર્ષનો અભ્યાસ કર્યા બાદ કોઈ વિદ્યાર્થી અભ્યાસ છોડી દે અને ત્યારબાદ બીજા વર્ષે ફરી અભ્યાસ માટે આવે ત્યારે યુનિવર્સિટીઓ વચ્ચે ક્રેડિટ મિસ મેચ નહી થાય જેથી વિદ્યાર્થીને સરળતાથી પ્રવેશ મળી શકશે. આ ઉપરાંત એનપીઈ અંતર્ગત એક વર્ષ બાદ અભ્યાસ છોડી દેનાર વિદ્યાર્થી ફરી અભ્યાસ માટે પ્રવેશ મેળવે તો ડિપ્લોમા બે વર્ષ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા મળે ત્રણ વર્ષ કરે તો ડિગ્રી મળે અને ચાર વર્ષ કરે તો ઓનર્સની ડિગ્રી મેળવી શકશે.