- ટેકાના ભાવે બાજરીની ખરીદીમાં ખેડૂતો અને ખાનગી કંપનીના કર્મચારીઓ વચ્ચે ચડભડ
- ખાનગી કંપનીના કર્મચારીઓએ ગુણવત્તા વિહીન બાજરી હોવાનું કહી ખરીદીનો કર્યો ઈન્કાર
- બે મહિના સુધી સંઘરેલી બાજરીનું વેચાણ નહીં થતાં ખેડૂતો અકળાયા
- કંપનીના કર્મચારીઓ બિનઅનુભવી હોવાનો ખેડૂતોનો આક્ષેપ
પાટણ : સરકાર દ્વારા ટેકાના ભાવે વિવિધ ખેત પેદાશો ખરીદવાની જાહેરાત કરી હતી. જેને અનુલક્ષી સરસ્વતી તાલુકાના મેસર ગામના ખેડૂતોએ ટેકાના ભાવે બાજરીનું વેચાણ કર્યું હતું. જે પૈકી ગામના ચાર જેટલા ખેડૂતોએ તા. 22/ 10/ 2020 ના રોજ ટેકાના ભાવે બાજરી વેચવા ઓનલાઈન ફોર્મ ભર્યું હતું. જેને લઇ તા. 23 ડિસેમ્બરના રોજ બાજરી લઈ સરસ્વતી તાલુકાના સરકારી ગોડાઉનમાં આવા મેસેજ કરવામાં આવ્યો હતો. જેનું અનુસંધાને આ ખેડૂતો બે વાહનોમાં 100 થી વધુ બોરીઓ લઈ આવ્યા હતા. આ સમયે સરકારે બાજરીની ગુણવત્તાની ચકાસણી કરવાની જેને જવાબદારી સોંપી છે. તેવી ઊંઝાની ખાનગી કંપનીના બે કર્મચારીઓએ ખેડૂતોને તમારી બાજરી ગુણવત્તા વિહીન છે તેમ જણાવી ખરીદવાની ના પાડતા વિવાદ સર્જાયો હતો. ખેડૂતોએ બે માસ સુધી સંઘરી રાખેલી બાજરીનું વેચાણ નહીં થતાં ખેડૂતો અકડાયા હતા.
ગોડાઉન મેનેજર અને ખેતીવાડી વિભાગના કર્મચારીઓએ હાથ અધ્ધર કર્યા
ગોડાઉનના મહિલા મેનેજરે પૂછતા તેઓએ બાજરીની આ ખરીદીમાં પોતાની કોઈ જ ભૂમિકા નથી. ખાનગી કંપનીના કર્મચારીઓ પસંદ કરે તેવી જ પેદાશોની તેમણે જ ખરીદી કરવાની રહે છે તેમ કહી હાથ અધ્ધર કર્યા હતા. તો ખેતીવાડી વિભાગના જવાબદાર કર્મચારીઓ પણ પોતાની જવાબદારી માત્ર બાજરીમાં કચરો છે કે, નહીં તે જ જોવાની છે, તેમ કહી જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો.
સરકારી ગોડાઉનમાં પડેલ અનાજમા પણ જીવાતો, મહિલા ગોડાઉન મેનેજરે ગોડાઉનને બંધ કર્યું
ગોડાઉનમાં પડેલ સરકારી અનાજમાં પણ જીવાતો છે જે મામલે ગોડાઉન ચેક કરવાનું ખેડૂતોએ કહેતા ફરજ પરના મહિલા મેનેજરે ગોડાઉનને બંધ કરી દીધું હતું. સરકારી ગોડાઉનનો માલ મધ્યાન ભોજન અને સસ્તા અનાજની દુકાનોમાં જાય છે. ત્યારે ગુણવત્તાની ચકાસણી કરવામાં આવતી નથી. ત્યારે ખેડૂતો ટેકાના ભાવે માલ વેચવામાં આવે છે. ત્યારે આવી કંપનીઓ દ્વારા માલની ગુણવત્તાની ચકાસણી કરી ખેડૂતોને હેરાન કરવાની કામગીરી કરી રહી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો.
ચકાસણી કરવાની જવાબદારીઓ ખાનગી કંપનીઓને સોંપી
સરકાર દ્વારા ટેકાના ભાવે ખેત ઉપજની ખરીદીની જાહેરાત કરી આવી ઉપજોની ચકાસણી કરવાની જવાબદારીઓ ખાનગી કંપનીઓને સોંપી છે. આવી ખાનગી કંપનીઓ દ્વારા કૃષિ નિષ્ણાંતોના બદલે બિનઅનુભવી કર્મચારીઓને રાખી જે તે ગોડાઉનો ઉપર ખેતપેદાશોની ગુણવત્તાની ચકાસણીની જવાબદારીઓ સોપાતા આવા બિન અનુભવી કર્મચારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણના બનાવો બની રહે છે તેનો તાદ્શ દાખલો સરસ્વતી તાલુકાના સરકારી ગોડાઉનમાં જોવા મળ્યો હતો.