- પાટણમાં કોંગી કાર્યકરોએ કરી કૃષિ બિલની હોળી
- પોલીસે કરી કોંગી કાર્યકરોની અટકાયત
- કાયદાના વિરોધમાં ખેડૂતો કરી રહ્યા છે આંદોલન
પાટણ: સરકાર દ્વારા અમલી કરાયેલા 3 કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા કેટલાંક દિવસોથી ખેડૂતો રાજધાનીમાં વિરોધ કરી રહ્યા છે. જેને વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે પણ સમર્થન આપ્યું છે. આ સંદર્ભે કોંગ્રેસ ખેડૂતોના પ્રશ્નોને લઇ ગામડે-ગામડે, ખેતર-ખેતર સુધી લઈ જવાની રણનીતિ બનાવી છે અને વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
સરકાર દ્વારા અમલી કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવેલા વિવિધ કાર્યક્રમોના સંદર્ભમાં આજે પાટણમાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ કૃષિ બિલની હોળી કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પાટણમાં કોંગ્રેસ દ્વારા કૃષિબિલના વિરોધમાં બિલની હોળી કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય આગળ કોંગી આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકરોએ એકત્ર થઈ સુત્રોચાર સાથે બિલની હોળી કરી હતી.
જોકે, પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા કિસાન સંઘના પ્રમુખ સહિત 20થી વધુ વિરોધ કરનારા કાર્યકરોની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે, જિલ્લા કોંગ્રેસ દ્વારા 10 જાન્યુઆરી સુધી કૃષિબિલના વિરોધમાં કાર્યક્રમ યોજવાનું નક્કી કરાયું છે. જેના ભાગરૂપે આજે વિરોધ કરવામાં આવ્યો હતો.