- માખણીયા સુએજ પ્લાન્ટ પર સોલાર સિસ્ટમ લગાવાશે
- 225 કિલોવોટની ક્ષમતા ધરાવતા સોલર પ્લાન્ટનું મુખ્યપ્રધાને કર્યું ઈ-લોકાર્પણ
- સુએજ પ્લાન્ટ પર 685 સોલાર પેનલો લગાવાશે
પાટણઃ રાજ્ય સરકાર દ્વારા રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં વીજ ભારણને ઘટાડવા અને નગરપાલિકાઓ આર્થિક રીતે સદ્ધર બને તે માટે સોલર ઉર્જા યોજના અમલી કરી છે. જે યોજના સંદર્ભે પાટણ નગરપાલિકાએ માખણીયા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર સોલાર પેનલ લગાવવા માટે 575 કિલોવોટની માગણી કરી હતી. જેના અનુસંધાને સરકારે 225 કિલોવોટની ક્ષમતા ધરાવતા સોલાર પ્લાન્ટનું ઈ-લોકાર્પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
- સરકારે નવતર અભિગમ હાથ ધર્યો
આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર અને પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, ડેપ્યૂટી કલેક્ટર જયેશ તુવર સહિતના પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચીફ ઓફિસર પાંચાભાઇ માળીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા નગરપાલિકાઓને વીજ ભારણથી બચાવવા જે નવતર અિગમ અપનાવવામાં આવ્યો છે તે આવનારા સમયમાં ખૂબ જ ઉપયોગી નીવડશે. માખણીયા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે 3×6 ફૂટની 685 પેનલો લગાવવામાં આવશે જે કામ દોઢ મહિનામાં પૂર્ણ થશે.
- સરકારના સોલાર પ્રોજેક્ટને નગરપાલિકાના પૂર્વ પ્રમુખે આવકાર્યો
અત્યાર સુધી જે નગરપાલિકાઓ આર્થિક રીતે વીજ બિલને કારણે નબળી પડી હતી તેને સદ્ધર કરવા સરકારનો આ પ્રોજેક્ટ નગરપાલિકાઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે. વીજ ભારણને ઘટાડવા અને નગરપાલિકા આર્થિક રીતે સદ્ધર બને તે માટે સરકારના આ સોલર ઉર્જા યોજનાને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પટેલે આવકાર્યો હતો.