પાટણ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 14 માર્ચથી શરૂ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને યોજવા જઈ રહી છે. ત્યારે પાટણ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ વર્ષે પાટણ જિલ્લામાં કુલ 35,248 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા આપશે. જે માટે 40 કેન્દ્રો પર 112 બિલ્ડિંગમાં 1214 બ્લોકની ફાળવણી કરવામાં આવી છે.
20,560 વિદ્યાર્થીઓ ધો.10ની પરીક્ષા આપશે : પાટણ જિલ્લામાં ધોરણ 10ની 20,560 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જે માટે પાટણ અને હારિજ બે ઝોન પાડવામાં રાખવામાં આવ્યા છે. પાટણમાં 12 કેન્દ્રો પર 36 બિલ્ડિંગમાં 402 બ્લોકની ફાળવણી કરવામાં આવી છે. જેમાં 11,990 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે હારીજ ઝોનમાં હારીજ, સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુરના 10 પરીક્ષા કેન્દ્રો પર 28 બિલ્ડિંગમાં 283 બ્લોકની ફાળવણી સાથે કુલ 22 કેન્દ્ર પર 64 બિલ્ડિંગમાં 20,560 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 કેન્દ્રોના 39 બિલ્ડિંગના 415 બ્લોકમાં 12,987 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે વિજ્ઞાન પ્રવાહની 2,201 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જે માટે પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા અને રાધનપુર મળી કુલ 4 કેન્દ્રોના 9 બિલ્ડિંગના 114 બ્લોકની ફાળવણી કરવામાં આવી છે.
આ પણ વાંચો : Board Exam: બોર્ડના વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર દૂર કરવા સામાજિક કાર્યકર્તાઓએ અપનાવ્યો અનોખો પ્રયોગ
ધો 10માં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી : ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ધોરણ 10 માં 23,098 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જ્યારે ચાલુ વર્ષે 2023 માં 20,560 વિદ્યાર્થીઓ એસએસસી પરીક્ષા માટે નોંધાયા છે એટલે કે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે 2,538 વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે.
આ પણ વાંચો : Budget Session: વિધાનસભામાં પહેલા જ દિવસે ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક પસાર, છતાં કૉંગ્રેસ-AAPએ ઉઠાવ્યા અનેક પ્રશ્નો
દરેક તાલુકાઓમાં કરાયા સેમિનાર : પાટણ જિલ્લા શિક્ષણાધિકારી એ.એન ચૌધરીએ જણાવ્યું હતું કે, પરીક્ષાના તમામ કેન્દ્રો ઉપર CCTV કેમેરા સજ્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ત્રણ ઝોનના ઝોનલ અધિકારીઓ તમામ બિલ્ડીંગ ઉપર સ્થળ સંચાલકો અને સરકારી પ્રતિનિધિઓની નિમણૂક કરાઈ છે. આગામી સમયમાં આ તમામને પરીક્ષાલક્ષી માહિતી માટે તાલીમ અપાશે. વિદ્યાર્થીઓ મુક્ત મને પરીક્ષા આપી શકે તે માટે જિલ્લાના દરેક તાલુકાઓમાં વિવિધ સંસ્થાઓના સહયોગથી સેમિનારો કરવામાં આવ્યા છે. તેમજ વિદ્યાર્થીઓને કોઈપણ વિષય સંદર્ભે મુશ્કેલીઓ હોય તેના નિવારણ માટે વિષય તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. કાઉન્સિલરની વ્યવસ્થાની સાથે સાથે સાયકોલોજીના શિક્ષકો દ્વારા દરેક શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી મુઝવતા પ્રશ્નોનું નિરાકરણ થાય તે પ્રકારનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા કરાયું છે.