પાટણઃ હારીજ APMCમાં ચણાની ખરીદી કૌભાંડનો(Chickpea purchase scam) મામલો વિધાનસભામાં ગાજ્યા બાદ રાજ્યના કૃષિ પ્રધાને આ બાબતે તાત્કાલિક અસરથી તપાસના આદેશો કર્યા છે. જેને લઇ હારીજ પંથકમાં ખળભળાટ મચ્યો છે. ગુજકોમાસોલ દ્વારા ચણા ખરીદી માટે જે મંડળીને જવાબદારી સોંપવામાં આવી હતી. આ મામલે હારીજ APMCના ચેરમેન ભગાભાઈ ચૌધરીની હોવાનું સામે આવ્યું છે જેને લઇ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.
નીચા ભાવે ચણા ખરીદી - સરકાર દ્વારા વર્ષ 2021- 22માં ટેકાના ભાવે (Patan Harij APMC)ચણા ખરીદીમાં હારીજ તાલુકા ખેત ઉત્પાદક ખરીદ વેચાણ મંડળીને ગુજકોમાસોલ દ્વારા ખરીદ વેચાણની કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં ખેત ઉત્પાદક સહકારી મંડળી દ્વારા ખોટી રીતે ખેડૂતોના નામે ઓનલાઇન નોંધણી કરાવી APMCના વેપારીઓ પાસેથી નીચા ભાવે ચણા ખરીદી મંડળીના સંચાલક અને હારીજ APMCના ચેરમેન ભગવાનભાઈ ચૌધરીએ કરી હોવાના ગંભીર આક્ષેપો સાથે સરકાર દ્વારા તપાસ હાથ ધરી ખરીદી વેચાણ બંધ કરાવવા હારીજ APMCના પૂર્વ ચેરમેન કાનજી દેસાઇ સહિતના સહકારી આગેવાનોએ ગુજકોમાસોલ ચેરમેન ગાંધીનગર કૃષિ પ્રધાન રાઘવજી પટેલ વિધાનસભાના ધારાસભ્ય દિલીપ ઠાકોરને ન્યાયિક તપાસ કરવા રજૂઆત કરી હતી જેને પગલે હારીજ તાલુકા વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
આ પણ વાંચોઃ પાટણ જિલ્લામાં ચણાની ખરીદીમાં કૌભાંડ, કૃષિ પ્રધાને તાપસનો આપ્યો આદેશ
ચણા ખરીદીમાં હારીજ APMCનો કોઈ રોલ નથી - હારીજ APMCના સેક્રેટરી નરસી ચૌધરીએ આ બાબતે જણાવ્યું હતું કે હારીજ માર્કેટ યાર્ડ એ ખેડૂતની સંસ્થા છે. જેમાં ખેડૂતોને સુવિધાઓ આપવી એ માર્કેટ યાર્ડની ફરજ છે. ટેકાના ભાવે જે માલ ખરીદી થાય તે APMCમાં તોલાય તેવી સૂચના સરકારની છે જેથી હારીજ માર્કેટ યાર્ડ દ્વારા ટેકાના ભાવે ખરીદી માટે માત્રને માત્ર જગ્યા આપવામાં આવી છે. પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવી છે વહીવટી તમામ જવાબદારી જે તે એજન્સીની હોય છે ચણા ખરીદીમાં હારીજ APMCનો કોઈ રોલ નથી સરકાર દ્વારા આ બાબતે ઝડપી તપાસ પૂર્ણ કરી દોષિતો સામે કાયદાકીય કાર્યવાહી કરી ખેડૂતોના હિતમાં હરાજી ફરીથી શરૂ કરવી જોઇએ.
ચણાની ખરીદીમાં માર્કેટયાર્ડની કોઈ લેવાદેવા નથી - હારીજ APMCના વાઇસ ચેરમેને જગદીશભાઈ ઠક્કરે આ બાબતે જણાવ્યું હતું કે ચણાની ખરીદીમાં માર્કેટ યાર્ડને કોઈ લેવાદેવા નથી માર્કેટ યાર્ડ ફક્ત અને ફક્ત સુવિધાઓ પુરી પાડે છે માલની ખરીદી માટે ગુજકોમાસોલ મંડળીની નિયુક્તિ કરે છે અને મંડળી ખરીદ વેચાણ કરે છે.
આ પણ વાંચોઃ Harij APMC Scam : અડીયા ગામમાં ચણાનું વાવેતર થયું ન હોવા છતાં 14 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું
અગાઉ રાયડાની ખરીદીમાં કૌભાંડ થયું હતું - હારીજ APMCના ચેરમેન અને હારીજ તાલુકા ખેત સહકારી મંડળીના ચેરમેન ભગવાનભાઈ ચૌધરીએ અગાઉ પણ રાયડાની ખરીદીમાં મસમોટું કૌભાંડ કર્યું હતું જે મુદ્દે સરકાર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ફરી એકવાર ચણાનું કૌભાંડ કરતા હારીજ પંથક અને સહકારી આગેવાનમાં ચકચાર મચી જવા પામી છે.