પાટણઃ જિલ્લાના ખેડૂતોની આર્થિક જીવાદોરી સમાન નવાગંજ બજાર માર્કેટયાર્ડ ખાતે રવિ સિઝન બાદ ખેતપેદાશોની નવી સિઝન શરૂ થતાં માર્કેટયાર્ડ વિવિધ ખેતપેદાશોની આવકને કારણે માર્કેટયાર્ડ ધમધમી ઉઠ્યું છે.
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ BT કપાસની હરાજી માર્કેટયાર્ડ ખાતે શરૂ કરવામાં આવી છે. જો કે, ચાલુ વર્ષે ભારે વરસાદના પ્રથમ ઉતારમાં કપાસ ઓછો આવેલા હોઈ આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દિવાળી સુધીમાં આ આવક વધવાની સંભાવના સેવાઇ રહી છે. માર્કેટયાર્ડ ખાતે કપાસના ઊંચા ભાવ 1011 સુધી બોલાયા હતા. જ્યારે સરેરાશ કપાસના મણદીઠ 920થી 980ના ભાવે વેપારીઓએ કપાસની ખરીદી કરી હતી.
માર્કેટયાર્ડ ખાતે કપાસની હરાજી શરૂ કરવામાં આવી છે, પરંતુ ભાવમાં ઘટાડો થયો હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું છે. જે ગત વર્ષે કપાસના ટેકાના ભાવો 1100 સરકારે જાહેર કર્યા હતા, પરંતુ ચાલુ વર્ષે હજૂ સુધી ટેકાના ભાવો જાહેર કર્યા નથી. તેથી ખેડૂતો પણ મૂંઝવણમાં મૂકાયા છે.
ઉલ્લેખનીય છે કે, પાટણ નવાગંજ માર્કેટ યાર્ડમાં BT કપાસની ખરીદી વેચાણ શરૂ થતા ખેડૂતોની ચહલપહલ અને કપાસ સહિત વિવિધ ઉપજોથી માર્કેટયાર્ડ ધમધમતું બન્યું છે.