પાટણઃ કેન્દ્ર અને રાજ્ય સરકાર કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા લૉકડાઉન અને 144 ની કલમનો કડક અમલ કરાવવા પોલીસ તંત્રને તાકીદ કરી રહી છે તો બીજી બાજૂ નગરપાલિકાના કચેરીઓ જ તેનો ભંગ કરી રહ્યાનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.
પાટણ નગર પાલિકા દ્વારા તારીખ 4 એપ્રિલથી નગર પાલિકા સંકુલમાં વેરા વસુલાતની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ આ કામગીરી દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓ સરકારની ગાઈડ લાઈનને બાજુમાં મૂકી એક બીજાથી અંતર જાળવ્યા વગર જ એક બીજાને અડીને બેસતા જોવા મળ્યા છે. જેને કારણે વેરા ભરવા આવતા શહેરીજનો પણ આશ્વર્યમાં મુકાયા છે. પાલિકાના ચીફ ઓફિસર લૉકડાઉનનો અમલ કરાવવા શહેરમાં જાહેરાતો કરે છે તો બીજી બાજૂ તેમના જ કર્મચારીઓ સરકારના નિયમોને નેવે મૂકી કામગીરી કરતા હોવાનો ગણગણાટ અહી આવતા વેરા ધારકો કરી રહ્યા છે.
નગર પાલિકા દ્વારા છેલ્લા નવ દિવસમાં કુલ 88,64,154 રૂપિયાની વેરા વસુલાત કરવામાં આવી છે. જેમાં રૂ.23,47,560 ની વસુલાત ઓન લાઈન થઈ છે. જ્યારે રૂ.65,16,594 ની રકમ મિલકતદારોએ નગરપાલિકામાં રૂબરૂં આવી જમા કરાવી છે. પોલીસ તંત્ર દ્વારા સામાન્ય શહેરીજનો સાથે કડકાઈ પૂર્વકનો વ્યવહાર કરી લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરવવામાં આવી રહ્યો છે, ત્યારે નગરપાલિકા કર્મચારીઓ દ્વારા થઈ રહેલા ઉલ્લંઘન મામલે કેવા પગલાં ભરવામાં આવશે તે એક પ્રશ્ન નગરજનો કરી રહ્યા છે.