- કોંગ્રેસના સૂપડા સાફ કરી ભાજપે નવો ઈતિહાસ રચ્યો
- ભાજપે 38 બેઠકો મેળવી
- કોંગ્રેસના 05 ઉમેદવારો બન્યા વિજય
પાટણ: નગરપાલિકાની ગઈ 28 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા મંગળવારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બીબીએ ભવનમાં 9:00 વાગ્યે ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં હાથ ધરાઈ હતી. સવારે 09:00 વાગ્યે શરૂ થયેલી મતગણતરી પ્રક્રિયા સાંજના 04:00 વાગ્યે સંપન્ન થઈ હતી. એક જ મતગણતરી હોલમાં 1થી 11 વોર્ડની તબક્કાવાર મતગણતરી શરૂ થઈ હતી. એક બાદ એક વોર્ડના પરિણામો જાહેર કરાયા હતા. યુનિવર્સિટીમાં ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મતગણતરી પ્રક્રિયા દરમિયાન DSP અક્ષયરાજ મકવાણા, DySP જે.ટી. સોનારા, RAC ભરત જોશી વગેરે ઉપસ્થિત રહી મતગણતરી પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું.
ભાજપની સ્પષ્ટ બહુમતી
મતગણતરી શરૂ થતા વોર્ડ નંબર-1ની પેનલનું પરિણામ ઘોષિત થતાં ભાજપની પેનલ તૂટતા ભાજપમાં થોડી હતાશા છવાઈ હતી. પરંતુ જેમ-જેમ અન્ય પરિણામો જાહેર થતા ગયા અને ભાજપની પેનલો વિજય બનતાં કુલ 38 બેઠકો મેળવતા ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવતા કોંગ્રેસની છાવણીમાં સન્નાટો છવાઈ ગયો હતો. કોંગ્રેસના માત્ર 05 જ ઉમેદવારો વિજય બનતા અને તેમાંય ચાર મહિલા અને પુરુષ ઉમેદવાર વિજય બનતા કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા હતા. નવાઈની વાત તો એ છે કે વિપક્ષમાં બેસવા માટે કોંગ્રેસ પાસે ઉમેદવારોની સંખ્યા નહીં હોવાથી વિપક્ષ પદ મળશે કે કેમ તેના ઉપર પણ સૌની મીટ મંડાઈ છે.