પાટણમાં વધુ એક મલ્ટીપ્લેક્સ હોસ્પિટલનો થયો પ્રારંભ
પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સબરીમાલા હોસ્પિટલનું કર્યું લોકાર્પણ
નિષ્ણાત તબીબો હોસ્પિટલમાં આપશે સેવા
હોસ્પિટલના વિવિધ વિભાગો અને ઉપલબ્ધ સેવાઓની પ્રદેશ પ્રમુખે માહિતી મેળવી
પાટણ: એપીએમસી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોર તેમજ પ્રદેશ ભાજપ, જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા સંવાદ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ પાટણ શહેરના હાઇવે ચાર રસ્તા ખાતે સરદાર કોમ્પ્લેક્સમાં નિર્મિત સબરીમાલા હોસ્પિટલ ખાતે આવી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા સબરીમાલા હોસ્પિટલનું વિધિવત ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
માતરવાડી ખાતે આવેલા એમ.કે.શૈક્ષણિક સંકુલ ખાતે પ્રદેશ અધ્યક્ષ પાટીલે હાજરી આપી હતી
પ્રદેશ ભાજપ પ્રમુખે પાટણમાં અદ્યતન મેડીકલ સેવાઓ સાથે નિર્માણ પામેલી સબરીમાલા હોસ્પિટલના વિવિધ વિભાગો અને ઉપલબ્ધ સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી. હોસ્પિટલના આયોજક અને કર્તાહર્તા મુકેશભાઈ કે પટેલ દ્વારા સમગ્ર હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ બાબતે પ્રદેશ ભાજપ પ્રમુખને માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ માતરવાડી ખાતે આવેલા એમ કે શૈક્ષણિક સંકુલ ખાતે પ્રદેશ અધ્યક્ષ પાટીલે હાજરી આપી હતી અને મુકેશભાઈ પટેલને તેમના નવીન સાહસ બદલ શુભકામનાઓ પાઠવી હતી.
વિવિધ આગેવાનોએ ઉપસ્થિત રહી મુકેશ પટેલને શુભેચ્છા પાઠવી હતી
આ પ્રસંગે રાજ્યના કેબિનેટ પ્રધાન દિલીપકુમાર ઠાકોર, પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ, પૂર્વ ગૃહ પ્રધાન રજની પટેલ, પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ, પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ દશરથજી ઠાકોર, પાટણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ગાંધીનગરના પ્રભારી મોહનભાઈ પટેલ, સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી મુકેશ પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી.