- પાટણમાં ભાજપ દ્વારા પદયાત્રા યોજી શક્તિ પ્રદર્શન કરાયું
- પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે. સી. પટેલની આગેવાનીમાં યોજાઈ પદયાત્રા
- પાટણ શહેરના વૉર્ડ નંબર 2,3, 5 ,7,8 અને 11માં પદ યાત્રા યોજાઈ
પાટણ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાટણ નગરપાલિકામાં ભાજપમાંથી ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારોને વિજય બનાવવા માટે પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે. સી. પટેલની આગેવાની હેઠળ પદયાત્રાનું આયોજન કરાયું હતું. આ પદયાત્રા સૌપ્રથમ શહેરના ઘીવટા વિસ્તારમા આવેલા બાલા બહુચર માતાના મંદિરે દર્શન કરીને શરૂ કરવામાં આવી હતી. જેમાં વૉર્ડ નંબર 2 અને 3 ઉમેદવારો અને તેમના સમર્થકો પણ આ પદયાત્રામાં જોડાયાં હતાં. ત્યારે વિસ્તારના મતદારોએ પણ ઉમેદવારોને આવકાર્યા હતા.
મોટી સંખ્યામાં મતદારો દ્વારા ઉમેદવારોને સારો પ્રતિસાદ મળ્યો
વૉર્ડ નંબર 2 અને 3ની પદયાત્રા પૂર્ણ કર્યાં બાદ પ્રદેશ ભાજપ મહામંત્રી કે. સી. પટેલે વૉર્ડ નંબર 7 અને 8ની પદયાત્રાનો પ્રારંભ ગુણવંત હનુમાન મંદિરથી કર્યો હતો. જેમાં વૉર્ડ નંબર 7 અને 8ના ભાજપના ઉમેદવારો સાથે તેમના ટેકેદારો પણ પદયાત્રામાં જોડાયાં હતાં. આ પદયાત્રા જળચોક, જોગીવડો, બુકડી, નાગરવાડો, જૂનાગંજ બજાર સહિતના વિસ્તારોમાં ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં મતદારો દ્વારા ઉમેદવારોને સારો પ્રતિસાદ મળ્યો હતો.
નગરપાલિકાની ચૂંટણીમાં સોંપવા મતદારોને કરાઇ અપીલ
ભાજપ પૂર્વ પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલની આગેવાની હેઠળ પદયાત્રા પાટણ શહેરના અલગ-અલગ 6 વૉર્ડમાં ફરી હતી. આ સાથે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકાનું સુકાન ભારતીય જનતા પાર્ટીને સોંપવા મતદારોને અપીલ કરવામાં આવી હતી.