પાટણઃ આગામી સમયમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાટણ લોકસભા બેઠક પર ભાજપમાં ચાલતો જૂથવાદ સપાટી પર આવ્યો છે. પાટણ જિલ્લા ભાજપના રાજકારણમાં ઉકળતા ચરૂ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તાજેતરમાં રાધનપુર ખાતે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને પૂર્વ સદસ્ય વચ્ચે જમવા બાબતે બોલાચાલી થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાના સમાચારની શાહી હજૂ સુકાઈ નથી ત્યાંજ ભાજપના ડખાવાળી વધુ એક પોસ્ટ વાયરલ થઈ છે.
વાયરલ પોસ્ટ ઉવાચઃ આ વાયરલ પોસ્ટમાં ચાણસ્મા વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના આગેવાનોએ પાર્ટીની ગાઈડલાઈન વિરુદ્ધ જઈ કામો કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લા પંચાયત ના પ્રમુખ, ઉપ પ્રમુખ સહિત વિવિધ સમિતિઓના ચેરમેન નિમણુકમાં સેટિંગ કરીને લેતી દેતી કરી હોવાનો આક્ષેપ કરાયો છે. પક્ષ દ્વારા આવા સેટિંગ બાજોને રવાના કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે. પાર્ટીની ઘોર ખોદનારા લોકો સામે જો કોઈ પગલા ભરવામાં નહીં આવે તો જિલ્લા ભાજપના સાત આગેવાનોના નામ જાહેર કરવામાં આવશે તેવી ચીમકી પણ પોસ્ટમાં કરવામાં આવી છે. આ પોસ્ટ ભાજપના પાયાના કાર્યકર વિક્રમ સિંહ ઠાકોરે વાયરલ કરી છે. વિક્રમ સિંહ સાથે ઈટીવી ભારતે ટેલિફોનિક વાતચીત કરી છે.
જ્યારથી સમજણ આવી ત્યારથી જ હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું. હું પાર્ટીની ગાઈડલાઈન મુજબ કાર્ય કરુ છું. જિલ્લા પંચાયતમાં કંબોઈ બેઠક ઉપરથી મારી પત્ની આશાબેન વિજેતા થયા છે ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરવાનું હતું. તે સમયે જિલ્લા ભાજપના આગેવાનોએ મને ફોર્મ ભરવા દીધું ન હતું. મારી પત્નીને ચેરમેન પદ આપવામાં આવશે તેવું નક્કી કર્યુ હતું. જેથી આગેવાનોના કહેવા મુજબ અમે ફોર્મ ભર્યું ન હતું, પણ આગેવાનોએ કોઈ પણ સમિતિના ચેરમેનનું પદ પણ આપવામાં આવ્યું નથી. જેથી પાટણ જિલ્લાના ભાજપના આગેવાનોથી દુઃખી થઈને આ પોસ્ટ મેં સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે. ભારતીય જનતા પાર્ટી મારા માટે શિરોમાન્ય છે, મને પાર્ટીથી કોઈ મનદુઃખ નથી. પાર્ટીના આગેવાનો સામાન્ય કાર્યકરોને આગળ વધતા અટકાવે તેની સામે મારી નારાજગી છે...વિક્રમ સિંહ ઠાકોર(સંનિષ્ઠ કાર્યકર, ભાજપ)