પાટણઃ જિલ્લા પંચાયતને રેતી, કંકર, ગ્રેવેલની રોયલ્ટીની આવક ઉપરાંત પંચાયતોને ગ્રાન્ટ-ઇન-એઇડ તરીકે રૂપિયા સાડા પાંચ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. આ અંગેના કામોની દરખાસ્ત આવી ગઈ છે, પણ જિલ્લા વિકાસ અધિકારી મંજૂરી આપતા નથી. જેથી જિલ્લાને રૂપિયા પાંચ કરોડનું સીધું નુકસાન DDOએ કર્યું છે, તેવો આક્ષેપ જિલ્લા પંચાયત પ્રમુખ વિનુભાઇ પ્રજાપતિ કર્યો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખના આક્ષેપ
- કામોની દરખાસ્તને DDO મંજૂરી આપતા નથી
- જિલ્લાને રૂપિયા પાંચ કરોડનું સીધું નુકસાન DDOએ કર્યું
- DDOએ જિલ્લા પંચાયતના કર્મચારીઓની બદલી તેમની જાણ બહાર કરી
આ સાથે જ આરોગ્ય વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ આઉટસોર્સથી ભરવા સરકાર દ્વારા સૂચના આપવામાં આવી હોવા છતાં સમયસર જગ્યાઓ ન ભરતા કોરોના મહામારીમાં પૂરતા સ્ટાફ વિના આરોગ્ય તંત્રને કામ કરવું પડી રહ્યું છે. આ માટે પણ DDO સામે જિલ્લા પંચાયત પ્રમુખે આક્ષેપો કર્યા હતા. તેમજ જિલ્લા પંચાયતના કર્મચારીઓની બદલી તેમને વિશ્વાસમાં લીધા વિના કરી દેવામાં આવી છે.

જિલ્લા વિકાસ અધિકારી ડી. કે. પારેખના જવાબ
- જિલ્લા પંચાયતની કોઈ જ વહીવટી મંજૂરી બાકી નથી
- તાલુકા દીઠ તમામ દરખાસ્તને વહીવટી મંજૂરી આપી દીધી
- આરોગ્ય શાખામાં કર્મચારીઓની આઉટસોર્સથી ગવર્મેન્ટ ઈ-માર્કેટ મારફતે ભરતી કરવા માટેનું બિડીંગ થઈ રહ્યું છે
- કર્મચારીઓની લાયકાત નક્કી કરવાની હોઈ કામ પ્રોસેસમાં છે
- કર્મચારીઓની બદલી વહીવટી હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે
આ બાબતે જિલ્લા પંચાયત પ્રમુખે મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, પંચાયત પ્રધાન અને વિકાસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે, અને પ્રજાહિતમાં જિલ્લાના વિકાસને વહીવટી મંજૂરી નહીં મળે તો આગામી દિવસોમાં DDO સામે પ્રતિક ઉપવાસ પર બેસવાની ચીમકી આપી છે.

જિલ્લા વિકાસ અધિકારી ડી. કે. પારેખે પ્રમુખના અક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની કોઈ જ વહીવટી મંજૂરી બાકી નથી જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત એમ બે પ્રકારની હોય છે. જેમાં તાલુકા દીઠ તમામ દરખાસ્તને વહીવટી મંજૂરી આપી દીધી છે. આરોગ્ય શાખામાં કર્મચારીઓની આઉટસોર્સથી ભરતી બાબતે તેમને જણાવ્યું હતું કે, આઉટસોર્સથી જેમ ગવર્મેન્ટ ઈ-માર્કેટ મારફતે ભરતી કરવાની થતી હોય તેના માટેનું બિડીંગ થઈ રહ્યું છે. લાયકાત નક્કી કરવાની હોઈ કામ પ્રોસેસમાં છે. જ્યારે પીએ સહિત કર્મચારીઓની બદલી વહીવટી હિતને ધ્યાનમાં રાખીને કરાઇ હોવાનું DDOએ જણાવ્યું હતું.