પાટણઃ સિદ્ધપુર સરસ્વતી નદીના પટમાં થતાં ખનીજ ચોરીના નેટવર્કનો પાટણ ખાણ-ખનીજ વિભાગે પર્દાફાશ કર્યો છે અને નદીના પટમાંથી ખાણ ખનીજના અધિકારીઓએ 98 લાખના વાહનો કબજે કર્યા છે. જો કે, આ સ્થળ પરથી કેટલી રકમની રેતી ચોરી કરવામાં આવી છે. આ અંગે ખાણ ખનીજ વિભાગે તપાસ હાથ ધરી છે. સિદ્ધપુરમાંથી રેતી ચોરીનું કૌભાંડ ઝડપાતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે.
પાટણ સિદ્ધપુર અને ખેરાલુ હાઈવે માર્ગનું નવીનીકરણ કામ ચાલી રહ્યું છે, ત્યારે આ માર્ગ પર માટીપુરાણ માટે મહેસાણાની ખાનગી કંપની દ્વારા સિદ્ધપુર પાસે સરસ્વતી નદી પર બનાવાયેલા ચેકડેમ નજીકથી મોટા પ્રમાણમાં રેતીની ચોરી કરવામાં આવતી હોવાની બાતમી પાટણ ખાણ ખનીજ વિભાગને મળતા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ સિદ્ધપુર સરસ્વતી નદીના પટમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી.
ઘટના સ્થળેથી રેતી ચોરીના ઉપયોગમાં લેવાતા 7 ડમ્પર, એક હિટાચી મશીન, 1 ટ્રેક્ટર મળી કુલ 98 લાખના વાહનો ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ ઝડપી સીઝ કર્યા છે. સિદ્ધપુર સરસ્વતી નદીના પટમાં ખાણ-ખનીજ વિભાગે ઓચિંતી તપાસ હાથ ધરી રેતી ચોરીના નેટવર્કનો પર્દાફાશ કરતા ખનન માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો હતો.