પાટણઃ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ ઑફિસર્સ ક્લબના સહયોગથી મા પરિવાર અને આર્ટ ઑફ લિવિંગ સહિતની શહેરની વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા લાઈવ યોગ નિદર્શન યોજાશે. જે આગામી 1 જૂનથી 30 જૂન સુધી ‘આપણું પાટણ સ્વસ્થ પાટણ’ ફેસબુક પેજ પરથી સવારે 6ઃ30થી 7 વાગ્યા સુધી પ્રસારીત કરવામાં આવશે.
જૂના સર્કિટ હાઉસ ગાર્ડન ખાતે 1 જૂનના રોજ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ તથા મા પરિવાર સાથે જોડાયેલા પાટણ શહેરના પ્રબુદ્ધ નાગરિક કે.સી.પટેલ આર્ટ ઑફ લિવિંગના યોગગુરૂ સાથે યોગ નિદર્શન કાર્યક્રમમાં જોડાશે. ત્યારબાદ સમગ્ર જૂન માસ દરમિયાન ઑફિસર્સ ક્લબના અધિકારીઓ તથા પાટણ શહેરના અગ્રણ્ય પ્રબુદ્ધ નાગરીકો શહેરના વિવિધ પ્રશિક્ષિત યોગગુરૂઓ સાથે યોગ નિદર્શન કરશે.
જેને ‘આપણું પાટણ સ્વસ્થ પાટણ’ ફેસબુક પેજના માધ્યમથી નિહાળી શકાશે. જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે, કોરોના વાઇરસ મહામારી સામે લડવાનો શ્રેષ્ઠ ઉપાય મજબૂત રોગ પ્રતિકારક શક્તિ છે, ત્યારે સ્વસ્થ અને નિરોગી જીવન માટે ભારતીય સંસ્કૃતિની મહાન પરંપરા એવા યોગ અને પ્રાણાયામને રોજીંદા જીવનનો હિસ્સો બનાવવાના પ્રયાસરૂપે સતત એક મહિના સુધી ઘરે બેઠા જ યોગા અભ્યાસ કરી શકાય તે માટે ફેસબુકના માધ્યમથી લાઇવ નિદર્શન યોજાશે. જૂન મહિના દરમિયાન પોતે તથા પરિવારજનોને ઘરે બેઠા યોગ કાર્યક્રમમાં ભાગ લેવા જિલ્લા કલેક્ટરે જિલ્લાવાસીઓને અનુરોધ કર્યો છે.