- સુશાસન દિવસની પાટણમાં કરાઇ ઉજવણી
- 23 લાભાર્થી ખેડૂતોને સહાય કિટને ચેક વિતરણ કરાયું
- હસ્તકલા અને પશુપાલક યોજના હેઠળ લાભાર્થીઓને ચેક અપાયા
પાટણ : પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપાઈના જન્મદિવસ નિમિત્તે પાટણના APMC શાકમાર્કેટ ખાતે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રધાન વાસણભાઈ આહિરની ઉપસ્થિતિમાં સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહાનુભવોના હસ્તે સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયના ચેક તથા કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મહાનુભાવોના હસ્તે કિટ તથા સહાયના ચેકનું વિતરણ
કિસાન કલ્યાણ કાર્યક્રમમાં પાટણ તાલુકાના 23 લાભાર્થીઓને સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજનામાં પાક સંગ્રહ સ્ટ્રક્ચર, કિસાન પરિવહન, છત્રીઓ, જીવામૃત કિટ, ઉપરાંત માનવ કલ્યાણ યોજના અંતર્ગત કિટ તથા સમાજ કલ્યાણ વિભાગના લાભાર્થીઓને પ્રધાન સહિતના મહાનુભાવોના હસ્તે કિટ તથા સહાયના ચેકનું વિતરણ કરી લાભાન્વિત કરવામાં આવ્યા હતા. કાગળ કટીંગ માટે રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર પાટણના લાભાર્થીને હસ્તકલા યોજના પુરસ્કાર અંતર્ગત રૂ.1 લાખનો ચેક અને મોમેન્ટો તથા શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજના અંતર્ગત બે લાભાર્થીઓને કુલ રૂ.15 હજારના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
જિલ્લાના 2 લાખ ખેડૂતોના ખાતામાં 40 કરોડની સહાય જમા કરવામાં આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિઝીટલ બટન દબાવી દેશભરના 9 કરોડ ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રકમ જમા કરાવી. જેમાં પાટણ જિલ્લાના અંદાજે 2 લાખ ખેડૂતોના ખાતામાં રૂ.40 કરોડની સહાય સીધા જ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી. આ પ્રસંગે વાસણભાઈ આહિરે જણાવ્યું કે, જગતના તાતની આવક બમણી કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા રાજ્યનો કૃષિ વિભાગ સતત કાર્યરત રહ્યો છે. સિંચાઈ માટેના પાણીથી લઈ વિજળી સહિતની કૃષિલક્ષી સગવડો થકી રાજ્યના ખેડૂતોના સ્વપ્ન સાકાર થઈ રહ્યા છે.