પાટણ : ચોમાસાની ઋતુમાં ખુલ્લામાં અને રહેણાંક વિસ્તારોમાં થતાં પાણીના સંગ્રહના કારણે મચ્છરોની ઉત્પત્તિ થતી હોય છે. જેના કારણે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગનો ફેલાવો વધવાની સંભાવનાઓ રહેલી છે. જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા મચ્છરજન્ય રોગોના અટકાયતી પગલાં તરીકે આરોગ્ય વિભાગના અધિકારીઓને સ્લમ વિસ્તાર, ગ્રામ્ય વિસ્તારો અને કન્સ્ટ્રક્શન સાઈટ સહિતના સ્થળોએ ઝૂંબેશરૂપે પોરાનાશક કામગીરી શરૂ કરાવવા સૂચના આપવામાં આવી હતી.
મચ્છરજન્ય રોગો ઉપરાંત પીવાના અશુદ્ધ પાણીથી થતાં રોગો અટકાવવા સમયાંતરે પીવાના પાણીના નમૂના લઈ તેના ક્લોરીન ટેસ્ટની કામગીરી સઘન બનાવવા તમામ નગરપાલિકાના ચીફ ઑફિરોને સૂચના આપવામાં આવી હતી. સાથે જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ફૂડ સેમ્પલ્સ લઈ તેની ચકાસણી કરવા પણ જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી હતી. વધુમાં પાણી પૂરવઠા વિભાગ તેમજ નગરપાલિકાના સંલગ્ન અધિકારીઓ દ્વારા પીવાના પાણીની પાઈપલાઈનના લીકેજ તાત્કાલિક અસરથી રીપેર કરવા જણાવવામાં આવ્યું હતું.