પાટણ: શહેરના બોકરવાડા વિસ્તારમાં ગુરૂવારે મોડી રાત્રે પાટણ પોલીસે રેડ કરી 524 પેટી વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા 33 લાખના મુદ્દામાલ સાથે એક જ પરિવારના ચાર બૂટલેગરોને ઝડપ્યા હતા. પોલીસે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બોકરવાડા વિસ્તારમાં રહેતા કુખ્યાત બુટલેગર કયુમુદ્દીન ફારુકી રાજસ્થાનમાંથી મોટાપાયે વિદેશી દારૂ મંગાવી તેનો અલગ અલગ જગ્યાએ નિકાલ કરવાનો છે. તેવી બાતમી પાટણ પોલીસને મળતા પાટણ A ડિવિઝન પોલીસ અને LCBની ટીમે સંયુક્ત રીતે ગુરુવારે મોડીરાત્રે બોકરવાડા વિસ્તારમાં બુટલેગરને ત્યાં રેડ કરી હતી.
બુટલેગરને ત્યા આઇસર ગાડીમાંથી દારૂ ઉતારતા તેના ત્રણ સાગરિતો તેમજ બુટલેગરને 524 પેટી વિદેશી દારૂ સાથે જેની કિંમત રૂપિયા 23,63,100 તેમજ આઇસર ગાડી કિંમત 10 લાખ સાથે 3 મોબાઇલ જેની કિંમત રૂપિયા 3000 મળી કુલ રૂપિયા 33,63,100ના મુદ્દામાલ સાથે 4 બુટલેગરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાતા દારૂનો વેપલો કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે પાટણ LCB પોલીસે આઠ વર્ષ અગાઉ આ બુટલેગરને ત્યાંથી રેડ કરી રૂપિયા 60 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો હતો.