પાટણઃ શહેરમાં કોરોનાનો વ્યાપ અને મૃત્યુઆંક વધતા શહેરીજનોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. પાટણમાં કોરોના ગ્રસ્ત વૃદ્ધા અને વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. શહેરમાં એક જ દિવસમાં બે વ્યક્તિના મોત થતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કોરોના ગ્રસ્ત બે દર્દીના મોત સાથે જિલ્લાનો મૃત્યુ આંક 10 પર પહોંચ્યો છે. જ્યારે પાટણથી અમદાવાદ સારવાર અર્થે ગયેલા બે દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા પાટણ શહેરમાં કુલ કેસ 35 અને જિલ્લામાં કુલ કેસો 105 થયા છે.
પાટણ ટીબી ત્રણ રસ્તા પર આવેલા મારુતિ નગર સોસાયટીમાં રહેતા અને આંખની ખાનગી હોસ્પિટલ ધરાવતા ડો. નિખિલ ખમારની માતા કાશ્મીરાબેનને ગત 4 જૂનના રોજ કોરોના પોઝિટિવ આવતા સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે તબીબ પુત્ર અને પુત્રવધુનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો.
જેથી બંને પતિ-પત્નીને પણ ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ગુરુવારના દિવસે સારવાર હેઠળ રહેલા કાશ્મીરાબેનનું મોત નીપજ્યું હતું. આમ એક જ ઘરના ત્રણ સભ્યો પૈકી માતાનું મોત થતા સગા સંબંધીઓમાં શોક છવાયો હતો
ત્યારે પાટણના મદારશા ગોલવાડ વિસ્તારમાં રહેતા રમેશચંદ્ર ઘીવાળાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા છેલ્લા 10દિવસથી તેઓ સારવાર હેઠળ હતા દરમિયાન મોડી સાંજે તેમનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પાટણ શહેરના બાબુ બંગલા પાસે રહેતા 40 વર્ષીય પુરુષને કિડનીની બિમારી હોવાથી અમદાવાદ અસરવા ખાતે કિડની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બી.જે.મેડિકલ કોલેજમાં તેમનો રિપોર્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ઠક્કરબાપા પ્રાથમિક શાળા પાસે આવેલા રાધનપુરી વાસમાં રહેતા 54 વર્ષીય પુરુષને ખાંસીની તકલીફ થતા અમદાવાદના નવરંગપુરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા.
જ્યાં તેઓનું ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ બંને દર્દીઓ અંગેની જાણ પાટણ આરોગ્ય તંત્રને કરવામાં આવતા આરોગ્ય વિભાગની ટીમોએ બંને વિસ્તારોમાં સર્વે કરી દર્દીઓના સંપર્કમાં આવેલાઓની માહિતી એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી.