પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આજથી ૧૭ વર્ષ પૂર્વે ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ ના રોજ આયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસ મારફતે પરત ફરી રહેલા કારસેવકોને ગોધરા એ કેબિન પાસે ટ્રેનના એસ ૬ કોચને આગ લગાવી જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા, જેમાં ૫૬ જેટલા કારસેવકો મોતને ભેટ્યા હતા. જે બાદ સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. જેને લઇને સાબરમતી ટ્રેન હત્યાકાંડની તપાસ કરવા માટે સરકાર દ્વારા ખાસ SITની રચના પણ કરવામાં આવી હતી, જેમાં સમયાંતરે ચુકાદા પણ આપવામાં આવ્યા છે અને આરોપીઓને સજા પણ ફટકારવામાં આવી છે. ત્યારે આજે સાબરમતી ટ્રેન હત્યાકાંડની ૧૭મી વર્ષીને લઇને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગાંધી ચોક ખાતેથી કારસેવકોની આત્માને શાંતિ મળે તે માટે રેલી યોજી ગોધરા રેલવે યાર્ડમાં રાખેલા સાબરમતી એક્સપ્રેસનાં એસ-૬ કોચ ખાતે પહોંચ્યા હતા. જ્યાં કોચ પાસે ફૂલ હાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી અને રામધૂન બોલાવી હતી.
VHPના અગ્રણી નેતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અયોધ્યામાં વહેલી તકે રામમંદિર બનાવવામાં આવશે તો જ કારસેવકો સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. ટ્રેન હત્યાકાંડની વર્ષીને લઇને ગોધરામાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો, અને સાબરમતી ટ્રેનનો એસ-૬ કોચ ખાતે પણ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં આજરોજ ગોધરા ખાતે છેલ્લા 16 વર્ષથી કારસેવકોને શ્રદ્ધાંજલિ રૂપે અસ્વીન પાઠક દ્વારા સુંદર કાંડનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહી કારસેવકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.