ગોધરા નગર પાલિકાના ફાયર વિભાગ દ્વારા ગોધરા શહેરમાં ચાલતા ટ્યૂશન ક્લાસિસના સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે. સાથે જ ફાયરસેફ્ટીના સાધનો તાકીદે લગાવી દેવા જણાવ્યું છે. ત્યારે પંચમહાલ જિલ્લા ખાનગી ટ્યૂશન ક્લાસિસ એસોસીએશન દ્વારા ગોધરા શહેરના ગાંધી ચોક ખાતે ભેગા મળીને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ગોધરા શહેરના તમામ નાના-મોટા ટ્યૂશન ક્લાસિસ ચલાવતા સંચાલકો જોડાયા હતા અને પુષ્પાજંલિ અર્પણ કરી હતી. સાથે જ એક સંચાલકે જણાવ્યું હતું કે, સુરતની ઘટના બાદ ગોધરા નગર પાલિકા દ્વારા અમને નોટિસ આપ્યા બાદ અમે ક્લાસીસ બંધ રાખ્યા છે. અમારા ક્લાસરૂમમાં જ્યાં સુધી ફાયરસેફ્ટી સાધનો અને NOCના મળે ત્યાં સુધી અમે અમારા ક્લાસીસ બંધ રાખશું. તેમજ આગામી સમયમાં અમારા ક્લાસરૂમમાં આગ જેવી ઘટનાને ડામવાના બધા સાધનો અમે રાખીશું.