પંચમહાલઃ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 1,255 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધારાવી મોડેલથી આરોગ્ય સર્વે શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગોધરા શહેરમાં મંગળવારથી 6 દિવસ માટે આરોગ્યનો મેગા સર્વે શરૂ કરવામાં આવ્યો છે.
ગોધરા શહેરના પોલન બજાર ખાતે આવેલી ઉર્દૂ શાળા ખાતેથી આરોગ્ય સર્વેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં એન્ટીજન ટેસ્ટ કીટ દ્વારા કલેક્ટરનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.
ધારાવી મોડેલ અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગના નેજા હેઠળ બનાવવામાં આવેલી વિવિધ સર્વે ટીમો ગોધરા શહેરમાં આવેલા તમામ વોર્ડમાં ડોર ટુ ડોર આરોગ્યની તપાસ કરશે. આ તપાસ દરમિયાન જે નાગરિકમાં કોરોનાના લક્ષણ જણાશે, તેમને ધન્વન્તરી રથમાં એન્ટીજન ટેસ્ટ કીટ દ્વારા કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આ ટેસ્ટ દરમિયાન કોરોના ટેસ્ટ પોઝિટિવ આવનારા વ્યક્તિને 3 દિવસની મેડિકલ કીટ આપી હોમ આઈસોલેટ કરવામાં આવશે. જેને લઇને નાગરિકોમાંથી કોરોના ટેસ્ટનો ભય દૂર કરી શકાશે.
આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા ગોધરા શહેરમાં કોરોના ટેસ્ટની સંખ્યા પણ વધારવામાં આવશે. જેથી કલેક્ટર અમિત અરોરા દ્વારા આરોગ્ય સર્વે અગાઉ ગોધરા શહેરના તમામ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી તેમને આ સર્વેમાં સહયોગ કરવા માટે અપીલ કરવામાં આવી હતી.