પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગોધરા ખાતે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તેમજ દાહોદના ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકા બારિયા તેમજ જિલ્લાના કોગી આગેવાનો સહિત ગોધરા, ઘોઘંબા, શહેરા તાલુકાના કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે જિલ્લાના સ્થાનિક કાર્યકરોની સમસ્યાઓને સાંભળી હતી. તેમજ રાજ્ય સરકાર સુધી તે સમસ્યાઓના નિરાકરણ માટે રજૂઆત કરવાની ખાતરી આપી હતી. સાથે તેમણે ગુજરાતની વર્તમાન ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધ્યું છે. તેમજ ખેડૂતોના પાક વીમાનું પણ સરકાર દ્વારા મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે.
કોંગ્રેસ દ્વારા પાક વિમાને લઈને આપવામાં આવેલા પુરાવાના દિવસ બાદ પણ સરકાર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી કે. નથી આંકડા જાહેર કરવામાં આવ્યા. જેથી સાબિત થાય છે કે, કૌભાંડ થયું છે, રાજ્યની ભાજપ સરકારમાં આંતરિક મતભેદો હોવાનું પણ જણાવ્યું હતું અને તેને લઈને જ મુખ્યપ્રધાને થોડા સમય અગાઉ કહ્યું હતું કે, તે 20-20 રમવા માટે આવ્યા છે, શું ખબર કે એમની પણ છેલ્લી તારીખ આગામી 20 તારીખ હોય. તેમજ જણાવ્યું હતું કે, દેશ આઝાદ થયો ત્યારે એકમાત્ર કોંગ્રેસ જ રાજકીય પાર્ટી હતી.
કોંગ્રેસના તે વખતના આગેવાનોએ ધાર્યું હોત તો બંધારણ એવું બનાવત કે, પેઢીઓ સુધી, સદીઓ સુધી, કોંગ્રેસની સરકાર બદલી શકત નહી.સાથે સાથે ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકા બારિયાએ પણ જણાવ્યું હતું કે, ભાજપના રાજમાં 2 કરોડ નોકરી આપવાની વાત હતી, તેની જગ્યાએ 200 લોકોને પણ નોકરી આપી નથી, મુખ્યપ્રધાન સવાર સાંજ અને બપોર જયારે હોય ત્યારે કહે છે કે, કોંગ્રેસે નોકરી આપી જ નથી, ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેટલાય લોકો નિવૃત શિક્ષકો છે, પોલીસ વિભાગના કર્મીઓ છે, આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. ત્યારે કોંગ્રેસના સંવાદ કાર્યક્રમ બાદ રાજ્યમાં જે જિલ્લામાં જરૂર પડશે, ત્યાં જિલ્લા કોંગ્રેસના માળખામાં પણ સુધારો કરવામાં આવશે.