- બે પિતરાઈ બહેનોના મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા
- બન્ને બહેનો સોમવારે લગ્ન પ્રસંગમાંથી ગુમ થઈ હતી
- એક બહેન દિવ્યાંગ હોવાની જાણકારી મળી
પંચમહાલ : ધોધંબા તાલુકાની બે પિતરાઈ બહેનોના મૃતદેહ ધોધંબા તાલુકાના લાલપુરી ગામની સીમમાં ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. બન્ને બહેનો સોમવારે લગ્ન પ્રસંગમાંથી ગુમ થઈ હતી. જેને લઈ પરિવારજનો ભારે ચિંતિત બન્યા હતા. આનાથી નાનકડા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જેને લઈ ઘટના સ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટયા હતા.
આ પણ વાંચો : વડોદરા બાદ આણંદમાં પણ સામૂહિક આત્મહત્યાની ઘટના આવી સામે, 2ના મોત એકનો બચાવ
પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
આ ઘટનાની જાણ રાજગઢ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મામા-ફોઈની બન્ને દીકરીઓએ કયાં કારણોસર ઝાડ પર ઓઢણી વડે લટકી ગળે ફાસો ખાધો હશે. જેને લઈ અનેક સવાલો ઉપસ્થિત લોકોના મનમાં ઉઠયા હતા. પોલીસે બન્ને બહેનોના મૃતદેહને ઝાડ પરથી ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા.
દિવ્યાંગ દીકરી ઝાડ પર કઇ રીતે ચડી હશે તે એક પ્રશ્ન ઉભો થયો
મોતનું કારણ જાણવા પોલીસે તપાસનો દોર શરુ કર્યો હતો. બે બહેનો પૈકી એક બહેન દિવ્યાંગ છે. જેથી તે ઝાડ ઉપર સુધી કેવી રીતે ચઢી હશે તે એક પ્રશ્ન ઉભો થયો છે. જેને લઈને પણ પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. હવે જોવુ રહ્યું પોલીસ તપાસમાં સાચી હકીકત શું બહાર આવે છે. એક દીકરીનું નામ વર્ષા રઈજી રાઠવા જયારે બીજીનું નામ સોનલ અરવિંદ રાઠવા હોવાનું જાણવા મળ્યું છે. જે બન્ને પૈકી વર્ષા દિવ્યાંગ હોવાનું તેના પિતાએ પોલીસને જણાવ્યું હતું.