પંચમહાલના મોરવા હડફ તાલુકાના ખાનપુર ગામેથી રાજ્યકક્ષાના કૃષિ મહોત્સવની મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રારંભ કર્યા બાદ હવે પંચમહાલ જિલ્લામાં તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે. જેમાં શહેરામાં તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવને ધારાસભ્ય જેઠા ભરવાડ દ્રારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો.
ત્યારબાદ ધારાસભ્યે આ જગ્યાએ ઉભા કરવામાં આવેલા પશુપાલન વિભાગ, બિયારણ, આંગણવાડી, તેમજ વિવિધ બેન્ક ખેતીવાડી શાખાની વિવિધ સહાયને લગતા ઉભા કરવામાં આવેલા સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમજ આ વિભાગો દ્વારા શહેરા તાલુકામાં કેટલા લાભાર્થીઓને તેનો લાભ મળ્યો છે તેની પણ માહિતી મેળવી હતી. આ પ્રસંગે પ્રાંતઅધિકારી, મામલતદાર, તાલુકાવિકાસ અધિકારી, પશુપાલન વિભાગના અધિકારીઓ, પશુપાલકો અને ખેડૂતો હાજર રહ્યા હતા.
પત્રકારો સાથેની વાતચીતમાં ધારાસભ્ય જેઠા ભરવાડે જણાવ્યું હતું કે, આ કૃષિમેળામાં પશુપાલકો અને ખેડૂતો મોટી સંખ્યામાં આવ્યા હતા. શહેરાના 38 હજાર ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધી યોજના હેઠળ રકમ ફાળવવામાં આવી છે. વધુમાં જણાવ્યું કે, ગ્રામસેવકો જેટલા સક્રિય હોવા જોઈએ તેટલા સક્રિય હોતા નથી અને ખેડૂતોને પૂરતી માહિતી મળતી નથી. એવું નથી કે, તેઓ કામ કરતા નથી એમની પાસે 10 થી 15 જેટલા ગામોના સેજા હોય છે. દરેક ગ્રામસેવક દરેક ગામમાં પહોંચી શકે તેવી પરિસ્થિતિ નથી તેથી આ બાબતે હું સરકારમાં રજૂઆત કરીશ કે, દરેક ગ્રામપંચાયત દીઠ એક ગ્રામસેવક મુકવામાં આવે.
શહેરા તાલુકાના પૂર્વ વિસ્તારમાં સિંચાઈના પાણીની સમસ્યા મુદ્દે કહ્યુ કે, શહેરા અને ગોધરા તાલુકાના પૂર્વોતર વિસ્તારના ગામોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે 250 કરોડની યોજનાની જોગવાઇ કરવામાં આવી છે જે આગામી સમયમાં અમલી બનશે.