પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાનું છેવાડાનું ગામ છે ગોકળપુરા અંદાજિત 500 લોકોની વસ્તી ધરાવતા ગોકળપુરા ગામમાં 60 જેટલા મકાનો આવેલા છે. આ ગામ આમ તો મૂળ રતનપુરા ગ્રામ પંચાયતનું પેટા ફળિયું છે. ગામ આમ તો પ્રકૃતિના ખોળે વસેલું છે અને અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. છેલ્લા બે દિવસથી આ નાનકડું ગામ ચર્ચામાં છે. કારણ કે, આ ગામનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં કેટલાક લોકો સ્મશાન યાત્રામાં નનામીને કાંધ આપી નદીના ધસમસતા પ્રવાહમાં કમર સુધી પાણીમાં જીવના જોખમે લઈ જઈ રહ્યા હોય તેવું સ્પષ્ટ જોઈ શકાય છે. વાયરલ વીડિઓની ખરાઈ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, આ વીડિયો કાલોલ તાલુકાના ગોકળપુરા ગામનો જ છે.
ગામની મુલાકાત દરમ્યાન જાણવા મળ્યું કે, ગામના એક ઉંમર લાયક વ્યક્તિનું કુદરતી મૃત્યુ થતા તારીખ 18 ઓગસ્ટના રોજ તેમની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી. પરંતુ ગામ નજીકથી જ પસાર થતી ગોમાં નદીને સામે કાંઠે ગોકળપુરા ગામનું સ્મશાન આવેલું છે. વરસાદી પાણીની આવકને લઇ ગોમાં નદી બે કાંઠે હોય સામે છેડે સ્મશાનમાં જવા માટે નદી પાર કર્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી પરિવાર જનો અને ગ્રામજનો જોખમ ખેડીને ગોમાં નદીના ધસમસતા પ્રવાહમાં સ્મશાન યાત્રા લઈ સામે છેડે પહોંચ્યા હતા. નનામી સાથે નદી પાર કરતી વખતે ગામના જ એક યુવાન દ્વારા મોબાઈલ પર વીડિયો બનાવવામાં આવ્યો અને તે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો.
વાયરલ વીડિયોની ખરાઈ થયા બાદ ગ્રામજનો સાથે વાતચીતમાં જાણવા મળ્યું કે, આ ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી નદીને પેલે કાંઠે સ્મશાન આવેલું છે. દર ચોમાસાની ઋતુમાં નદીમાં પાણી આવી જતા ગામમાં કોઈ અવસાન થાય તો આવી જ રીતે જોખમ ખેડી સ્મશાન સુધી પહોંચવું પડે છે. ગામથી અંદાજિત 2 કિલોમીટર દૂર આવેલ આ સ્મશાન ગામની હદમાં ગામ તરફના કાંઠે આવે તે માટે ગ્રામજનો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે, ત્યારે ચોમાસા પહેલા ગામમાં થયેલ રાત્રી સભામાં જિલ્લા કલેક્ટર રૂબરૂમાં પણ રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી ગોકળપુરા ગામને સ્મશાનની સુવિધા મળી નથી.
ગોકળપુરા ગામના સ્મશાન યાત્રાના વાયરલ થયેલ વીડિયો અંગે ગ્રામજનોના જણાવ્યા અનુસાર અનેક રજૂઆતો છતાં સ્મશાન ન બન્યું હોવાની વાતને લઇ જયારે કાલોલ તાલુકા મામલતદારને જાણ કરી ત્યારે આશ્ચર્ય વચ્ચે આ સમગ્ર મામલે કોઈ રજૂઆત ન મળી હોવાનો રાગ આલાપ્યો હતો. જો કે આવી પરિસ્થિતિમાં ગોકળપુરા ગામ માંથી કોઈ પણ રજૂઆત મળે તો તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની વાત પણ મામલદાર દ્વારા કરવામાં આવી હતી. ત્યારે અહીં પ્રશ્ન એ પણ થાય કે રજુઆત આવે તોજ કામ થાય કે પછી તંત્રની નૈતિક જવાબદારી જેવું પણ કઈ હોય ખરું ?