હાલોલ GIDC ખાતે આવેલ વેલવેટ સિનેમા પાસે પતરાંના કાચા મકાનમાં રહેતા અને મૂળ દાહોદ જિલ્લાના લીમડાબરા ગામમાં રહેતા સરદારભાઈ થાવરિયાભાઈ મૈડા ઉ.વર્ષ.૨૨ છૂટક મજૂરી કરી પોતાનો પરિવારનું ભરણપોષણ કરે છે. જેઓ આજથી એક માસ પહેલા જ પોતાના પરિવાર અને સગા સંબંધીઓ સાથે હાલોલ ખાતે મજૂરીકામ અર્થે આવ્યા હતા. જેમને સંતાનમાં પ્રેમ નામનો પાંચ માસનો પુત્ર છે.
26 મેના રાત્રીના સુમારે તેઓ તથા તેમના પત્ની સુરેખાબહેન જમીને પોતાના પુત્ર પ્રેમને લઈ સુઈ ગયા હતા. જે દરમિયાન રાત્રીના 2:15 કલાકે પ્રેમ ઉંઘમાંથી ઉઠી જતાં તેને પેશાબ કારેલ ચડ્ડી બદલાવી પ્રેમને માતા પિતા પોતાના વચ્ચે લઈ સુઈ ગયા હતા. જે બાદ અચાનક જ રાત્રીના 3 વાગ્યાના સુમારે સુરેખાબેનની આંખ ખુલી જતાં પોતાના બાળકને વચ્ચે ન જોતા તેઓએ સરદારભાઈને જગાડ્યા હતા.
જે બાદ પ્રેમને ઘરમાં શોધવા લાગ્યા હતા. પરંતુ બાળક ન મળતા ગભરાઈ ગયા હતા અને આસપાસ રહેતા અન્ય શ્રમજીવીઓને ઉઠાડી આસપાસના વિસ્તારમાં તપાસ કરવામાં લાગી ગયા હતા. ભારે શોધખોળ બાદ પણ બાળકનો પત્તો લાગતા કંઇક અજુગતું થયાનો એહસાસ થતા ઘરમાં રોકકળ મચી જવા પામી હતી અને બાળકનું અપહરણ થયાનું જણાતા હાલોલ પોલીસ મથકે જાણ કરતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી હતી.
આ બનાવની હકીકત જાણી તાત્કાલિક બાળકની તપાસમાં જોતરાઈ ગયા હતા તેમજ જિલ્લાની SOG, LCB વડોદરા ડોગ સ્ક્વોડ અને FSL સહિતની ટીમો પણ તપાસમાં લાગી ગઇ હતી. જેમાં નજીક આવેલા કોમ્પ્લેક્સના CCTV ફૂટેજમાં બનાવની મધ્ય રાત્રીએ બે અજાણ્યા ઇસમોની શંકાસ્પદ હિલચાલ જોવા મળતા પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી હતી. ક્યાં કારણોસર માસુમ બાળકનું અપહરણ થયું એ તમામ શક્યતાઓ પોલીસ ચકાસવાની દિશામાં તપાસ હાથ ધરી હતી. જ્યારે પોતાના એકના એક વહાલસોયા પુત્રના અપહરણની ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.