સુરત: સુરત સીટીને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ છેલ્લા બે ચાર વર્ષથી ડાયમંડ સિટી સુરતને કોઈકની નજર લાગી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે સતત હીરાના ધંધામાં મંદી આવી રહી છે. લોકો હવે હીરાના ધંધાથી દૂર થઈ રહ્યા છે. ઘણા લોકોને ઘર ચલવવામાં મુશ્કેલી આવતા તેઓ આપઘાતના પણ પગલાં ભરી રહ્યા છે, ત્યારે આ બધી ઘટનાઓ વચ્ચે સુરતનો એક યુવક સૌ કોઈ માટે પ્રેરણારૂપ બન્યો છે.
34 વર્ષનો વિક્કી સોની નામનો યુવક સુરતના રાંદેરમાં પરિવાર સાથે રહે છે. વિકી સોનીને પરિવારમાં પત્ની અને બે દીકરા છે. વિકી ઘણા વર્ષોથી સુરતમાં રહે છે અને વર્ષ 2014ના હીરામાં રત્નકલાકાર તરીકે નોકરી કરવાની શરૂઆત કરી હતી. સતત આઠ વર્ષ એટલે કે 2022 સુધી હીરામાં નોકરી કરી હતી. શરૂઆત 7000ના પગારથી કરી હતી અને થોડા વર્ષો વીત્યાં બાદ 30,000 ના પાવર સુધી પહોંચ્યો હતો. જોકે બે વર્ષ પહેલાં હીરાના ધંધામાં મંદી આવતા ઘર ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો હતો. તેઓએ આખરે નોકરી છોડી દેવાની ફરજ પડી હતી.
બાદમાં કઈ રીતે પરિવારનું ગુજરાન ચલાવવું જેને લઈને તેઓ સતત વિચાર કરી રહ્યો હતો. સમગ્ર સંઘર્ષ ગાથાને લઇને વિકી સોનીએ જણાવ્યું હતું કે, 2022માં હીરાની મંદીના કારણે મારો પગાર અડધો થઈ ગયો હતો. જેમાં મારા પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ હતું. આ સાથે જ હું ભાડાના મકાનમાં રહું છું. 2021માં પગાર પણ સારો હોવાથી અને મધ્યમ વર્ગીય લોકોને કાર લેવાનો સપનું હોય છે. જેથી મેં 2021 ના એન્ડ માં ટાટા કંપનીની 9 લાખની કાર હપ્તેથી લીધી હતી. ત્યારબાદ થોડા મહિનાઓ સારું ચાલ્યું હતું જોકે, ત્યારબાદ મંદિના કારણે મારી નોકરી છૂટી ગઈ હતી.
એક બાજુ પરિવારની જવાબદારી અને બીજી બાજુ નોકરી છુટી જતાં ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જોકે મારી પત્નીના સપોર્ટના કારણે મેં હિંમત હાર્યો ન હતો. રોડ પર દહીં વડા વેચવાનો વિચાર કર્યો અને રાંદેરમાં રોડ પર જ સાંજના સમયે બે કલાક દહીં વડા વેચવાનું શરૂ કર્યું હતું. થોડા સમય સંઘર્ષ કરવો પડ્યો હતો. પત્નીના પણ ફૂલ સપોર્ટના કારણે સંઘર્ષને પાર પાડી દીધો હતો, ત્યારબાદ આખો દિવસ દહીં વડા વેચવાનું શરૂ કરી દીધું હતું.
જે દરમિયાન ધંધો શરૂ કર્યો ત્યારે પણ ખૂબ જ તકલીફ પડી હતી, જ્યારે શરૂઆતમાં લોકો પણ ઓછા આવતા અને ઓર્ડર પણ ઓછા મળતા હતા. હાલ એક ડબામાં 50 રૂપિયાના દહીંવડા વેચું છું. રોજના 150 થી 200 જેટલા ઓર્ડર અને અહીંથી લોકો લઈ જાય છે. મોટાભાગના લોકો પાર્સલ લઈ જાય છે. જેના કારણે હાલ મારા પરિવારનું ગુજરાન ખૂબ જ સારી રીતે ચલાવી રહ્યો છું. કારના હપ્તાઓ પણ ચૂકવાઇ ગયા છે અને આ કાર જ મારી ડ્રીમ કાર હોવાથી આ કાર લઈને જ આવું છું અને દહીં વડા વેચું છું.
બેરોજગારીથી કંટાળી આર્થિક સંકળામણથી ત્રાસી જઈને આપઘાત કરતા લોકોને એકવાર આ પરિવારની સામે જોઇને વિચાર કરવો જોઈએ કે, એક રસ્તો બંધ થાય તો શાંતિથી બેસી વિચારીએ તો ઘણા રસ્તા ખુલતા હોય છે. જીવન ટૂંકાવવું એ કોઈ હલ નથી. પરિવાર અને સમાજને આપણી જરુર છે.
આ પણ વાંચો: