- ગોધરામાં સસ્તા અનાજની હેરાફેરીનો પર્દાફાશ
- શહેર બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે રેડ પાડી
- પોલીસે જપ્ત કરેલો જથ્થો સરકારી સસ્તા અનાજનો હોવાનું સામે આવ્યું
પંચમહાલ: ગોધરા શહેર બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, શહેરના વડોદરા રોડ પર કોઠી સ્ટીલ સામે આવેલા પટેલ કમ્પાઉન્ડમાં ગોડાઉનની વચ્ચે આવેલી ખુલ્લી જગ્યામાં બેથી ત્રણ વાહનોમાં શંકાસ્પદ અનાજની બોરીઓનો જથ્થો એક ગાડીમાંથી બીજી ગાડીમાં ભરવામાં આવી રહ્યો છે. જેના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા કેટલાક શખ્સો ટ્રકમાંથી અનાજની બોરીઓ ઉતારી તેને ખોલી અનાજનો જથ્થો બીજા થેલામાં પલટાવી ગાડીમાં ભરી રહ્યા હતા.
પોલીસે કુલ 31.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા દરેક બોરી પર સસ્તા અનાજની બોરી જેવા જ લેબલ અને સ્ટીકર લગાવેલા હોવાનું જણાઇ આવ્યું હતું. જેને લઇને પોલીસે ખાતરી કરતા અનાજનો જથ્થો સરકારી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ દ્વારા સરકારી અનાજની ગેરકાયદે હેરાફેરી ઝડપી પાડવામાં આવી હતી. પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ વાહનોમાંથી રુપિયા 41,400ની કિંમતનો કુલ ૪૧૪ બોરી ઘઉંનો જથ્થો સહિત કુલ ૩૧ લાખની કિંમતના ત્રણ વાહનો તેમજ મુદ્દામાલ મળી કુલ ૩૧.૪૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસને મળી હતી બાતમી
પોલીસે સ્થળ પરથી ખંગારસિંહ પરમાર, પ્રભાતસિંહ પરમાર, અક્ષયકુમાર પરમાર, દિલીપભાઈ ચૌહાણ, દીપક પરમાર, મહેશ ચૌહાણ, પ્રવીણ ચૌહાણ, અને રમેશ ચૌહાણની અટકાયત કરી હતી. પોલીસે નાસી જનારા શખ્શો તેમજ સરકારી અનાજનો જથ્થો મંગાવનારા વ્યક્તિઓની શોધખોળ શરુ કરી છે. પોલીસે ઘટના સંદર્ભે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો નોંધ્યો છે. અનાજના આટલા મોટા પ્રમાણમાં પોલીસ દ્વારા પકડવામાં આવેલા જથ્થાને જોતા પુરવઠા વિભાગ શું કરી રહ્યું છે એવા પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.
આ પણ વાંચો :